IND vs WI 1st ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ 6 ફેબ્રુઆરીએ રમાશે. એક દિવસ અગાઉ  પ્રી-મેચ પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવનમાં એક ખેલાડીના સમાવેશનો ખુલાસો કર્યો હતો. રોહિત શર્માએ કહ્યું કે  ઈશાન કિશન પ્રથમ વનડેમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળશે.


પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ કહ્યું, 'ઈશાન એકમાત્ર વિકલ્પ છે. તે ઓપનિંગ કરશે. મયંક હજુ આઇસોલેશનમાં છે. નિયમ સૌથી પહેલા છે. જે કોઇ પણ ખેલાડી ટ્રાવેલિંગ પર છે તેઓને ક્વોરેન્ટાઈન થવું  પડશે. જો કોઈ ઈજા નહી થાય તો ઇશાન કિશન ઓપનિંગ કરશે.  ટીમ ઈન્ડિયાના બંને ઓપનર શિખર ધવન અને ઋતુરાજ ગાયકવાડ હાલમાં કોરોના સંક્રમિત છે. કેએલ રાહુલ પણ પ્રથમ વનડે માટે ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં બીસીસીઆઈએ ઈશાન કિશનને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.






આ પહેલા ઈશાન કિશનને વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI ટીમની બહાર રાખવામાં આવ્યો હતો પરંતુ તેને T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પસંદગીકારોના નવા નિર્ણયથી હવે તેને ODI ટીમનો ભાગ બનવાની પણ તક મળશે. ઈશાન કિશનને ODI ટીમમાં સામેલ કરવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસથી જ બાયો બબલમાં હાજર હતો.






ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાના ચાર ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં ઓપનર શિખર ધવન અને ઋતુરાજ ગાયકવાડ, મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર અને ફાસ્ટ બોલર નવદીપ સૈનીનો સમાવેશ થાય છે. પસંદગીકારોએ તરત જ મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી.