India vs West Indies: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 6 અને 7 ઓગષ્ટના રોજ ટી20 સિરીઝની અંતિમ બે ટી20 મેચ ફ્લોરિડામાં રમાશે. બંને ટીમોને યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકા માટે તેમના વિઝા મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલાં બંને ટીમના કેટલાક ખેલાડીઓના અમેરિકન વિઝા ના હોવાના કારણે મેચનું આયોજન કેરેબિયન (વેસ્ટ ઈન્ડિઝ)માં જ કરવાની વિચારણા ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI)એ કરી હતી. 


ત્યારે હવે ખેલાડીઓને અમેરિકાના વિઝા મળી ગયા છે અને બંને ટી20 મેચ ફ્લોરિડામાં જ રમાશે. ક્રિકબઝના એક અહેવાલ મુજબ, ગયાનાના રાષ્ટ્રપતિ ઈરફાન અલીના હસ્તક્ષેપ બાદ ઘણા કલાકો પછી બંને ટીમોના કેટલાક ખેલાડીઓ અને સહયોગી સ્ટાફને અમેરિકાના વિઝા મળ્યા હતા.


ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના (CWI) અધ્યક્ષ રિકી સ્કેરિટે ગયાનાના રાષ્ટ્રપતિ ઈરફાન અલીનો આભાર માનતાં કહ્યું કે, "આ મહામહિમ દ્વારા એક સામયિક અને પ્રભાવશાળી રાજનયિક પ્રયાસ હતો." અહેવાલમાં આગળ કહ્યું છે કે, USAના વિઝા ના હોય તેવા ખેલાડીઓને ગયાનાની રાજધાની જોર્જટાઉનમાં મોકલવામાં આવ્યા છે. સેન્ટ કિટ્સમાં ત્રીજી ટી20 રમ્યા બાદ અમેરિકી એમ્બસીમાં ઈન્ટરવ્યુ થયા બાદ મંગળવારે રાત્રે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.


અહેવાલ અનુસાર, ઈન્ટરવ્યુંમાં હાજર રહેનાર લોકમાં ભારતના કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ હતા. મહત્વનું છે કે, 14 ભારતીય ખેલાડીઓ પાસે અમેરિકા પ્રવાસ કરવા માટે મંજૂરી નહોતી. ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, દિનેશ કાર્તિક, રવિ બિશ્નોઈ, સૂર્યકુમાર યાદવ અને કુલદીપ યાદવ સહિત અન્ય લોકો આ બધાની વચ્ચે ફ્લોરીડાના મિયામી પહોંચી ગયા છે. હવે તેમની સાથે ટીમના બાકી રહેલા ખેલાડીઓ પણ જોડાશે.


CWIના અધ્યક્ષ રિકી સ્કેરિટે વધુમાં જણાવ્યું કે, ભારતીય ખેલાડી ગુરુવારે બપોર સુધીમાં જ ઉડાન ભરી શકશે. બધા વિઝા આવેદનોને મંજુરી આપી દેવાઈ છે પરંતુ પાસપોર્ટ બુધવાર બપોર સુધી પરત નહી આપવામાં આવે. CWI જે કંઈ કરી શકતું હતું તે કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 5 T20 મેચની સિરીઝમાં ભારત 2-1થી આગળ છે.