India vs West Indies Test Series : ભારતીય ક્રિકેટ ટીમ 1 મહિનાના વિરામ બાદ 12 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર તેના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. આ પ્રવાસની શરૂઆત બે ટેસ્ટ મેચોથી થશે. ડોમિનિકામાં વિન્ડસર પાર્ક 12-16 જુલાઈ દરમિયાન પ્રથમ ટેસ્ટનું આયોજન કરશે. આ મેચ પહેલા ક્રિકેટ ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.  ડોમિનિકામાં રમાનારી આ મેચ પર વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે.


શું વરસાદને કારણે પ્રથમ ટેસ્ટ મેચ રદ્દ થશે?


હવામાન વિભાગની આગાહી અનુસાર, ડોમિનિકામાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચમાં વરસાદ બંને ટીમોની આશાઓ પર પાણી ફેરવી શકે છે. ડોમિનિકા ટેસ્ટના પહેલા દિવસે વરસાદની આગાહી છે. જોકે મેચના બીજા અને ત્રીજા દિવસે હવામાન સાફ રહેશે. જ્યારે ચોથા અને પાંચમા દિવસે ભારે વરસાદની અપેક્ષા છે. આ સ્થિતિમાં વરસાદ આ મેચની મજા બગાડી શકે છે.


ટીમ ઈન્ડિયા 21 વર્ષથી હાર્યું નથી


ટીમ ઈન્ડિયા છેલ્લે 2002માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝ હારી હતી. વર્ષ 2002 પછી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કુલ 8 ટેસ્ટ શ્રેણી રમાઈ હતી. જેમાંથી ચાર શ્રેણી ભારતમાં અને 4 વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ હતી. આ તમામ ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી છે. જ્યારે ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર કુલ 51 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી તેણે માત્ર 9 મેચ જીતી છે અને 16 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 26 મેચ ડ્રો રહી છે.


વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કે.એસ. ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ અને નવદીપ સૈની.


પ્રથમ ટેસ્ટ મેચ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ


ક્રેગ બ્રેથવેટ (કેપ્ટન), જર્માઈન બ્લેકવુડ (વાઈસ-કેપ્ટન), એલીક અથાનાજ, ટેગેનરીન ચંદ્રપોલ, રહકીમ કોર્નવોલ, જોશુઆ દા સિલ્વા, શેનોન ગેબ્રિયલ, જેસન હોલ્ડર, અલઝારી જોસેફ, કિર્ક મેકેન્ઝી, રેમન રીફર, કેમાર રોચ, જોમેલ વોરકેન.


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી 3 ઓગસ્ટથી શરૂ થશે. પ્રથમ ટી20 ત્રિનિદાદમાં, બીજી ટી20 6 ઓગસ્ટે ગયાનામાં, ત્રીજી ટી20 8 ઓગસ્ટે ગયાનામાં, ચોથી ટી20 12 ઓગસ્ટે ફ્લોરિડામાં અને પાંચમી ટી20 13 ઓગસ્ટે ફ્લોરિડામાં રમાશે. એટલે કે યુએસએમાં પણ બે T20 રમાશે. આગામી T20 વર્લ્ડ કપ એટલે કે 2024 T20 વર્લ્ડ કપ માત્ર વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં જ રમાશે.


https://t.me/abpasmitaofficial