IND vs ZIM 2nd T20 Highlights: ભારતીય ક્રિકેટ ટીમે બીજી T20 મેચમાં ઝિમ્બાબ્વેને 90 રનથી હરાવીને વર્ષ 2026ની પોતાની ત્રીજી સૌથી મોટી જીત નોંધાવી દીધી છે. હરારેના મેદાન પર રમાયેલી આ શાનદાર મેચમાં ભારતે 220 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે ઝિમ્બાબ્વેની ટીમ માત્ર 129 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ ધમાકેદાર જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની આ T20 સિરીઝમાં 2-0થી અજેય લીડ પણ મેળવી લીધી છે. ઈશાન કિશન અને તિલક વર્માની તોફાની અડધી સદી તથા ડેબ્યૂ કરનાર યશ ઠાકુર અને અભિષેક શર્માની ઘાતક બોલિંગે ભારતને આ શાનદાર જીત અપાવી હતી.
ઈશાન-તિલકની તોફાની બેટિંગ અને અભિષેકની બોલિંગ કમાલ
આ મેચમાં યુવા ઓપનર અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી બેટથી કોઈ ખાસ પ્રભાવ પાડી શક્યા ન હતા. જોકે, ત્યારબાદ ઈશાન કિશને 81 રન અને તિલક વર્માએ અણનમ 60 રન ફટકારીને ભારતનો સ્કોર 219 રન સુધી પહોંચાડી દીધો હતો. બેટિંગમાં નિષ્ફળ રહેલા અભિષેક શર્માએ બોલિંગમાં પોતાની કમાલ કરી બતાવી. તેણે પોતાની સ્પિન બોલિંગની જાળમાં ઝિમ્બાબ્વેના બેટ્સમેનોને ફસાવીને 3 વિકેટ ઝડપી હતી અને તે ભારત તરફથી બીજી T20નો સૌથી સફળ બોલર પણ સાબિત થયો.
વર્ષ 2026ની ત્રીજી સૌથી મોટી જીત
રનના માર્જિનથી જોવા જઈએ તો, ટીમ ઈન્ડિયાની વર્ષ 2026માં આ ત્રીજી સૌથી મોટી T20 જીત છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે ભારતની સૌથી મોટી T20 જીત 96 રનની છે, જે આ જ વર્ષે રમાયેલી T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે આવી હતી. ત્યારબાદ ભારતની બીજી સૌથી મોટી જીત વર્લ્ડ કપમાં જ નામિબિયા સામે (93 રનથી) મળી હતી. હવે ઝિમ્બાબ્વેને 90 રનથી કચડીને ભારતે આ વર્ષની પોતાની ત્રીજી સૌથી મોટી જીત પોતાના નામે કરી લીધી છે.
આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
ડેબ્યૂ મેચમાં જ છવાઈ ગયો યશ ઠાકુર
ઝિમ્બાબ્વે સામેની આ બીજી T20 મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ (ડેબ્યૂ) કરનાર ફાસ્ટ બોલર યશ ઠાકુરે પણ શાનદાર બોલિંગ કરી હતી. તેણે પોતાની 4 ઓવરના સ્પેલમાં માત્ર 30 રન આપીને 2 મહત્ત્વની વિકેટ ઝડપી હતી.
બીજી તરફ, બોલર પ્રિન્સ યાદવ આ મેચમાં માત્ર 1.2 ઓવર જ બોલિંગ કરી શક્યો અને ઈજાગ્રસ્ત થઈ ગયો હતો, પરંતુ કમાલની વાત એ રહી કે તેણે માત્ર 8 બોલ ફેંકીને જ 2 વિકેટ પોતાના નામે કરી લીધી હતી. આ ઉપરાંત શિવમ દુબે, રવિ બિશ્નોઈ અને તિલક વર્માએ પણ શાનદાર સાથ આપતા એક-એક વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચોઃ ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!
