IND vs ZIM: શું ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચમાં વરસાદ બનશે વિલન? જાણો આજે ચેન્નાઈમાં કેવું રહેશે હવામાન
IND vs ZIM T20 World Cup 2026: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે ટીમ ઇન્ડિયા માટે આજે જીત ખૂબ જ મહત્વપૂર્ણ છે.

IND vs ZIM T20 World Cup 2026: ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતનો મુકાબલો આજે ઝિમ્બાબ્વે સામે છે. સુપર-8ની પ્રથમ મેચમાં બંને ટીમો હારી ગઈ હતી. ભારત માટે સેમીફાઈનલમાં પહોંચવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે, અને જો આજની મેચ વરસાદને કારણે રદ થાય, તો સૂર્યકુમાર યાદવ એન્ડ ટીમ માટે મુશ્કેલીઓ વધુ વધી જશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની આ મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવાની છે.
ભારતીય ટીમ માટે સમીકરણ એવું છે કે, સૌથી પહેલા આજે બપોરે રમાનારી મેચમાં દક્ષિણ આફ્રિકા વેસ્ટ ઈન્ડિઝને હરાવી દે, જેથી વેસ્ટ ઈન્ડિઝના માત્ર 2 પોઈન્ટ્સ જ રહે. ત્યારબાદ ભારત આજે ઝિમ્બાબ્વેને હરાવે અને પછીની મેચમાં વેસ્ટ ઈન્ડિઝને પણ પછાડે. આ સ્થિતિમાં ભારત સેમીફાઈનલ સુધી પહોંચી શકશે. પરંતુ જો આજે વેસ્ટ ઈન્ડિઝ જીતી ગયું, તો ભારતનો આગળ વધવાનો રસ્તો લગભગ બંધ થઈ જશે. ત્યારબાદ કોઈ ચમત્કાર જ ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલ સુધી પહોંચાડી શકશે.
ભારતીય બેટ્સમેનોએ કર્યા નિરાશ
દક્ષિણ આફ્રિકા સામે ભારતને 76 રને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ટીમ ઈન્ડિયાનો નેટ રન રેટ ઘણો નીચે જતો રહ્યો છે. ભારતીય બેટ્સમેનોએ અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું નથી, પરંતુ આશા છે કે આજે ઝિમ્બાબ્વે સામે મોટી જીત મળશે. જોકે, જે ટીમે ગ્રુપ સ્ટેજમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાને હરાવ્યા છે, તેને હળવાશથી લઈ શકાય નહીં.
-
અભિષેક શર્મા: T20 વર્લ્ડ કપ 2026ની 4 મેચમાં માત્ર 15 રન જ બનાવી શક્યો છે. શરૂઆતની 3 મેચમાં તો તે ખાતું પણ ખોલી શક્યો ન હતો.
-
ઈશાન કિશન: દક્ષિણ આફ્રિકા સામે 'ડક' (શૂન્ય રન) પર આઉટ થયો હતો.
-
તિલક વર્મા: તેણે પણ અત્યાર સુધી પોતાા પ્રદર્શનથી નિરાશ જ કર્યા છે.
શું વરસાદ બનશે વિલન?
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે સુપર-8ની આ મેચ આજે (26 ફેબ્રુઆરી) સાંજે 7 વાગ્યાથી ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. હવામાનના મતે ભારતીય ચાહકો માટે સારા સમાચાર છે, કારણ કે આજે અહીં વરસાદની શક્યતા નથી. મેચ દરમિયાન થોડા વાદળો છવાયેલા રહેવાનું અનુમાન છે. ચેન્નાઈમાં સાંજે 7 થી 11 વાગ્યા દરમિયાન તાપમાન 26 થી 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.




















