Rohit Sharma:

  ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટી-20 વર્લ્ડકપ 2024 જીત્યાના બીજા દિવસે સવારે બેડ પરથી જ વર્લ્ડ કપ ટ્રોફી સાથેની પોતાની તસવીર શેર કરી છે.  આઈસીસી ટૂર્નામેન્ટ જીત્યા બાદ શર્મા બાર્બાડોસમાં એક હોટલના રૂમમાં ટ્રોફી સાથે સૂઈ ગયો હતો. ટૂર્નામેન્ટની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવ્યા બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. શર્માએ વિરાટ કોહલી બાદ ટી-20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. 


રોહિત શર્માએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં  ટી-20 વર્લ્ડકપની ટ્રોફીને પોતાના બેડની બાજુમાં મુકીને તસવીર ક્લિક કરી હતી.


નોંધનીય છે કે અગાઉ સૂર્યકુમાર યાદવ પણ વર્લ્ડ કપ ટ્રોફી સાથે સૂઈ ગયો હતો. મેચની છેલ્લી ઓવરમાં સૂર્યકુમાર યાદવે મેચ વિનિંગ કેચ લીધો હતો. ટ્રોફી જીત્યા બાદ સૂર્યકુમાર યાદવ વર્લ્ડ કપ ટ્રોફી સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો. આ તસવીરમાં સૂર્યકુમાર યાદવની પત્ની પણ જોવા મળી હતી તેણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.


જીત બાદ હાર્દિકે રવિવારે ટ્રોફી સાથેનો ફોટો શેર કર્યો હતો. લખ્યું હતું કે - 'ગુડ મોર્નિંગ, ભારત. આ કોઇ સપનુ ન હતું. તે સત્ય છે. અમે વિશ્વ ચેમ્પિયન છીએ. નોંધનીય છે કે હાર્દિકે બેટિંગમાં માત્ર 5 રન બનાવ્યા હતા, પરંતુ બોલિંગમાં શાનદાર દેખાવ કર્યો હતો. તેણે હેનરિક ક્લાસેનની મહત્વની વિકેટ લીધી જેણે 27 બોલમાં 52 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં જ્યારે દક્ષિણ આફ્રિકાને 12 રનની જરૂર હતી ત્યારે ડેવિડ મિલર અને કાગિસો રબાડા આઉટ થયા હતા.


રોમાંચક મેચમાં ભારતની જીત 


ભારત અને સાઉથ આફ્રિકા ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત થઈ છે. ભારતે સાઉથ આફ્રિકાના જડબામાંથી મેચ છિનવી લીધી છે. એક સમયે એવુ લાગી રહ્યું હતુ કે ભારત આ મેચ હારી જશે પરંતુ ભારતીય ટીમના બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ભારતે આ મેચ જીતી લીધી હતી. 


ભારતની આ જીતમાં વિરાટ કોહલીનો મહત્વનો ફાળો છે. કોહલીએ ફાઈનલ મુકાબલમાં શાનદાર ઈનિંગ રમી હતી. કોહલીએ  દક્ષિણ આફ્રિકા સામેના ટાઇટલ મુકાબલામાં તેણે 59 બોલમાં 76 રનની ઇનિંગ રમીને ભારતને મુશ્કેલીમાંથી ઉગારી લીધું હતું. બુમરાહે ખૂબ જ શાનદાર બોલિંગ કરી હતી. બુમરાહે 4 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ ઝડપી હતી. બુમરાહની શાનદાર બોલિંગના કારણે ટીમને જીત મળી છે.