IND vs ENG 4th Test: ચોથી ટેસ્ટના પહેલા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ઈંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 302 રન છે. જોકે ઈંગ્લેન્ડે સારી રિકવરી કરી લીધી છે. લંચ સુધી ઈંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા. પરંતુ રૂટે સદી ફટકારીને ઈંગ્લેન્ડને મજબૂત સ્થિતિમાં લાવી દીધું. ફોક્સે પણ 47 રન બનાવીને સારું યોગદાન આપ્યું હતું. દિવસની રમતના અંત સુધી રૂટ 106 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી ડેબ્યૂ કરી રહેલા આકાશદીપે 3 વિકેટ ઝડપી હતી. સિરાજને બે જ્યારે અશ્વિન અને જાડેજાને 1-1 વિકેટ મળી હતી.


 






જો રૂટે સદી ફટકારી, પરંતુ બીજા બેટ્સમેનોએ નિરાશ કર્યા 


ઈંગ્લેન્ડના ટોપ-3 બેટ્સમેનો 57 રનમાં પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી, જોની બેયરસ્ટોએ ચોક્કસપણે કેટલાક સારા શોટ ફટકાર્યા, પરંતુ રવિ અશ્વિનના બોલ પર તે વિકેટ ખોઈ બેઠો. ઇંગ્લિશ બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયન પરત ફરતા રહ્યા. પરંતુ જો રૂટ મક્કમતાથી એક છેડો સાચવીને રમી રહ્યો હતો. બેન ફોક્સ ઉપરાંત જો રૂટે નીચલા ક્રમના બેટ્સમેનો સાથે ઉપયોગી ભાગીદારી કરી અને ટીમના સ્કોરને સન્માનજનક સ્કોર સુધી લઈ ગયો.


ઈંગ્લેન્ડ તરફથી ઓપનર જેક ક્રાઉલીએ 42 રન બનાવ્યા હતા. તે જ સમયે, બેન ડકેટ 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ઓલી પોપ પોતાનું ખાતું ખોલાવી શક્યો નહોતો. જ્યારે જોની બેયરસ્ટોએ 38 રન બનાવ્યા હતા. ઈંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સ 3 રન બનાવીને રવિન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. બેન ફોક્સે 47 રનની સારી ઇનિંગ રમી હતી. ટોમ હાર્ટલીએ 13 રન બનાવ્યા હતા.


આકાશ દીપે પોતાની ડેબ્યુ ટેસ્ટમાં જ પોતાની પ્રતિભા બતાવી 


 






ભારતીય બોલરોની વાત કરીએ તો આકાશ દીપે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરી હતી. આકાશ દીપે ઈંગ્લેન્ડના ટોપ-3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. મોહમ્મદ સિરાજને 2 સફળતા મળી. રવિ અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને 1-1 સફળતા મળી હતી. જ્યારે કુલદીપ યાદવ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો.