T20 World Cup 2024: ક્રિકેટ આઇસીસી ટી20 વર્લ્ડકપ 2024 અત્યારે લીગ રાઉન્ડ પુરો કરી ચૂક્યો છે, અને હવે સુપર-8ની મેચ રમાશે. હાલની સ્થિતિ જોઇએ તો વર્લ્ડકપના સુપર-8 સ્ટેજમાં બંને ગ્રુપ ખૂબ જ મુશ્કેલ દેખાઈ રહ્યા છે. ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને પ્રથમ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ Aમાં ટોપ પર રહીને સુપર-8માં પહોંચી ગઈ છે, પરંતુ સેમીફાઈનલનો રસ્તો તેના માટે બિલકુલ સરળ નથી. 


ઓસ્ટ્રેલિયા તેની ચારેય મેચ જીતીને આગલા રાઉન્ડમાં આવી ગયું છે, તો બીજીબાજુ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ગ્રૂપ સ્ટેજમાં ત્રણ-ત્રણ જીત નોંધાવીને અહીં પહોંચ્યા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ભારત સેમીફાઇનલમાં પહોંચી શકશે ? પરંતુ અહીં અમે તમારી સમક્ષ એવા 3 કારણો બતાવી રહ્યાં છીએ, જેના કારણે ભારત સેમીફાઈનલમાં ના પણ પહોંચી શકે. જો આ ત્રણ ભૂલો ભારતીય ટીમ કરશે તો ટીમ વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ જશે.


1. વિરાટ કોહલીનું ઓપનિંગ કરવું 
અત્યાર સુધી ટી20 વર્લ્ડકપ 2024માં વિરાટ કોહલીની ઓપનિંગ ટીમ ઈન્ડિયા માટે ઘાતક સાબિત થઈ છે. વર્લ્ડકપમાં હંમેશા સારો દેખાવ કરનારો કોહલી પ્રથમ વખત સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. તે 3 ઇનિંગ્સમાં માત્ર 9 બોલ જ રમી શક્યો છે, જેમાં તેણે 5 રન બનાવ્યા છે. 3 ઇનિંગ્સમાં માત્ર 5 રન બનાવવો એ સંકેત છે કે ટીમ મેનેજમેન્ટે કોહલીના બેટિંગ ઓર્ડરને બદલવા પર વિચાર કરવો જોઈએ. કોહલીના આ ખરાબ પ્રદર્શનથી અન્ય બેટ્સમેનો પર પણ દબાણ વધી ગયું છે. સૂર્યકુમાર યાદવ પણ એક ફિફ્ટી ફટકારવા સિવાય કંઈ ખાસ કરી શક્યો નથી. જો સુપર-8માં પણ કોહલીનું શરમજનક પ્રદર્શન ચાલુ રહેશે તો ટીમ ઈન્ડિયાનો સેમીફાઈનલમાં જવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની શકે છે.


2. ફિનિશરનો રૉલ હજું પણ એક રહસ્ય ? 
ટી-20 વર્લ્ડકપમાં ભારત અત્યાર સુધી 4 ઓલરાઉન્ડર ખેલાડીઓ સાથે રમ્યું છે. હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ, આ ચારેય જ્યારે તેમનો દિવસ હોય ત્યારે કોઈપણ મેચનું પાસુ પલટી શકે છે. પરંતુ આ ચારેય બેટ્સમેન હજુ સુધી પોતાને ફિનિશર તરીકે સાબિત કરી શક્યા નથી. દુબેએ યુએસએ સામે 31 રનની ઇનિંગ રમી હોવા છતાં અન્ય મેચોમાં તે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. જાડેજા અત્યાર સુધીમાં એક વખત વર્લ્ડકપ રમી ચૂક્યો છે, જેમાં તે ગૉલ્ડન ડકનો શિકાર બન્યો હતો. જ્યારે અક્ષર પટેલને પાકિસ્તાન સામે તક મળી હતી, જેમાં તે માત્ર 18 રન બનાવી શક્યો હતો. હાર્દિક પંડ્યા પણ અત્યાર સુધી પોતાને ફિનિશર તરીકે સાબિત કરી શક્યો નથી. આ કારણોસર ભારતનો નીચલો મિડલ ઓર્ડર ચિંતાનો વિષય છે.


3. ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન, 2 મોટા ખતરા 
ઓસ્ટ્રેલિયા ગ્રુપ સ્ટેજમાં પોતાની ચારેય મેચ જીતીને સુપર-8માં પહોંચી ગયું છે. બીજીબાજુ અફઘાનિસ્તાને વેસ્ટ ઈન્ડિઝના હાથે 104 રનની જોરદાર હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ એ હકીકતને નજરઅંદાજ કરી શકાય નહીં કે અફઘાનિસ્તાનની ટીમે ત્રણ મેચ આસાનીથી જીતીને સુપર-8માં પ્રવેશ કર્યો છે. રાશિદ ખાનની કેપ્ટનશીપમાં ટીમે માત્ર બેટિંગમાં જ નહીં બોલિંગમાં પણ સુધારો કર્યો છે. ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન બંનેને હરાવવું ભારત માટે ઘણું મુશ્કેલ હશે. જો ટીમ ઈન્ડિયા સુપર-8માં એક પણ મેચ હારી જાય છે તો તેને સેમીફાઈનલની રેસમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વર્તમાન ટ્રેન્ડ મુજબ અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા બંને ભારતને હરાવવા માટે સક્ષમ છે. આ કારણે આ બંને ટીમો ભારત માટે મોટો ખતરો બની શકે છે.