IND vs ENG 2nd Test 2025: ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં કારમી હારનો સામનો કર્યા બાદ, ભારતીય ટીમ બીજી ટેસ્ટ માટે તૈયારી કરી રહી છે. જુલાઈ 2 થી બર્મિંગહામના એજબેસ્ટન ખાતે શરૂ થનારી આ મેચમાં ટીમ ઇન્ડિયા પ્લેઈંગ-11 માં 3 મોટા ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે. મુખ્યત્વે વર્કલોડ મેનેજમેન્ટ અને કેટલાક ખેલાડીઓના નિરાશાજનક પ્રદર્શનને કારણે આ બદલાવો જોવા મળી શકે છે, જેમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સહિતના કેટલાક મોટા નામ સામેલ છે.

સંભવિત 3 મોટા ફેરફારો

  1. જસપ્રીત બુમરાહ: પ્રથમ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું અને પહેલી ઇનિંગમાં 5 વિકેટ ઝડપીને ભારતનો સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે કુલ 44 ઓવર ફેંકી હતી. જોકે, તેના વર્કલોડને ધ્યાનમાં રાખીને, ભારતીય ટીમ તેને બીજી ટેસ્ટમાં આરામ આપી શકે છે જેથી તે આગામી મહત્વપૂર્ણ મેચો માટે ફ્રેશ રહી શકે.
  2. શાર્દુલ ઠાકુર: ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરનું પ્રથમ ટેસ્ટમાં પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. બે ઇનિંગ્સમાં તેના બેટમાંથી માત્ર 5 રન આવ્યા હતા, જ્યારે બોલિંગમાં પણ તે કંઈ ખાસ કમાલ કરી શક્યો નહોતો અને આખી મેચમાં ફક્ત 2 વિકેટ જ લઈ શક્યો હતો. તેના નબળા પ્રદર્શનને કારણે તેને પ્લેઈંગ-11 માંથી બહાર કરવામાં આવી શકે છે.
  3. રવિન્દ્ર જાડેજા: અનુભવી સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ભારતીય ટીમમાંથી બહાર થઈ શકે છે. જાડેજાએ બેટિંગ અને બોલિંગ બંનેમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું ન હતું. તેણે પહેલી ઇનિંગમાં માત્ર 11 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં અણનમ 25 રન બનાવ્યા હતા. બોલિંગમાં પણ તે ફક્ત 1 જ વિકેટ લઈ શક્યો હતો. તેના ફોર્મને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ તેને આરામ આપવાનો કે અન્ય વિકલ્પ અજમાવવાનો નિર્ણય લઈ શકે છે.

ઇંગ્લેન્ડની બીજી ટેસ્ટ માટે ટીમ જાહેર

ભારત સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પહેલા ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ તેમની ટીમની જાહેરાત કરી દીધી છે. સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ છે કે ઝડપી બોલર જોફ્રા આર્ચર લગભગ ચાર વર્ષ ના લાંબા ગાળા બાદ ટેસ્ટ ક્રિકેટમાં પરત ફર્યો છે. તાજેતરમાં કાઉન્ટી ક્રિકેટમાં તેના પ્રદર્શન બાદ તેની વાપસીની અપેક્ષા રાખવામાં આવી રહી હતી, જે હવે સત્તાવાર રીતે જાહેર થઈ છે. જોફ્રા આર્ચરનો સમાવેશ એક વધારાના ખેલાડી તરીકે કરવામાં આવ્યો છે, એટલે કે તેના આગમનથી કોઈ હાલના ખેલાડીને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો નથી.

આર્ચરની વાપસી અને ભારત માટે પડકાર

જોફ્રા આર્ચરને વિશ્વના સૌથી ઘાતક બોલરોમાંનો એક ગણવામાં આવે છે, અને તેની વાપસી ભારતીય ટીમ માટે વધુ મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. ભારતીય ટીમને પ્રથમ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે, ત્યારે આર્ચર જેવા બોલરનું આગમન ભારતીય બેટ્સમેનો માટે વધુ એક પડકાર ઉભો કરશે. જોફ્રા આર્ચરના ટીમમાં સમાવેશ બાદ તેની પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા લગભગ નિશ્ચિત મનાઈ રહી છે.

હવે એ જોવું રસપ્રદ રહેશે કે ઇંગ્લેન્ડ કયા ફાસ્ટ બોલરને પ્લેઇંગ ઇલેવનમાંથી બાકાત રાખશે. ક્રિસ વોક્સનું રમવું લગભગ નિશ્ચિત છે, જ્યારે જોશ ટોંગને બહારનો રસ્તો દેખાડવામાં આવી શકે છે. આનો અર્થ એ થયો કે પ્રથમ ટેસ્ટ જીત્યા પછી પણ, ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવામાં આવશે.

બીજી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ નીચે મુજબ છે

બેન સ્ટોક્સ (કેપ્ટન), જોફ્રા આર્ચર, શોએબ બશીર, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાઇડન કાર્સ, સેમ કૂક, જેક ક્રોલી, બેન ડકેટ, જેમી ઓવરટન, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ, જોશ ટોંગ, ક્રિસ વોક્સ.