India vs England 2nd Test 2025: ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી કારમો પરાજય આપ્યો છે. આ વિજય સાથે ભારતે પાંચ મેચની શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી છે. આ ઐતિહાસિક જીતમાં કેપ્ટન શુભમન ગિલ ના બેટનો જાદુ, મોહમ્મદ સિરાજ ની ઘાતક બોલિંગ અને આકાશદીપ ના કુલ 10 વિકેટે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

58 વર્ષનો ઇંતજાર સમાપ્ત: એજબેસ્ટન પર પ્રથમ જીત!

બર્મિંગહામનું એજબેસ્ટન મેદાન ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે અત્યાર સુધી દુઃસ્વપ્ન સમાન રહ્યું હતું. ભારતે અહીં 1967 માં પહેલી ટેસ્ટ મેચ રમી હતી, પરંતુ અત્યાર સુધી આ મેદાન પર એકપણ ટેસ્ટ જીતી શક્યું ન હતું. કપિલ દેવ, વિરાટ કોહલી અને એમએસ ધોની જેવા દિગ્ગજ સુકાનીઓ પણ તેમની કેપ્ટનશીપમાં ભારતને અહીં જીત અપાવી શક્યા ન હતા. આખરે, શુભમન ગિલ ની કેપ્ટનશીપ હેઠળ ભારતે 58 વર્ષ લાંબા પરાજયના સિલસિલાનો અંત લાવ્યો અને ઇતિહાસ રચ્યો.

મેચનો સંપૂર્ણ સારાંશ

ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું, જે નિર્ણય પાછળથી તેમની ટીકાનું કારણ બન્યો. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા કેપ્ટન શુભમન ગિલ ના શાનદાર 269 રનના બળ પર 587 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. પ્રથમ ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 87 અને રવિન્દ્ર જાડેજાએ 89 રનનું યોગદાન આપ્યું. જવાબમાં, ઇંગ્લેન્ડ તરફથી હેરી બ્રુકે 158 રન અને જેમી સ્મિથે 184 રન બનાવ્યા, પરંતુ તેમના સિવાય અન્ય કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહીં. પરિણામે, ઇંગ્લેન્ડની ટીમ 407 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ભારતને પ્રથમ ઇનિંગમાં 180 રનની મોટી લીડ મળી.

ભારતનો બીજો દાવ આવ્યો ત્યાં સુધીમાં, ભારતીય બેટ્સમેનોએ ઝડપથી સ્કોરબોર્ડ આગળ ધપાવ્યું. કેપ્ટન ગિલ એ બીજી ઇનિંગમાં પણ 161 રન બનાવ્યા, જેનાથી મેચમાં તેમનો કુલ સ્કોર 430 રન થયો. ગિલ એક જ ટેસ્ટ મેચમાં 400 થી વધુ રન બનાવનાર વિશ્વનો માત્ર પાંચમો બેટ્સમેન બન્યો. બીજી ઇનિંગમાં, કેએલ રાહુલ (55), ઋષભ પંત (65) અને રવિન્દ્ર જાડેજા (69) ત્રણેય બેટ્સમેનોએ અડધી સદી ફટકારી. ભારતે 427 રન પર પોતાનો બીજો દાવ ડિક્લેર કર્યો.

ચોથી ઇનિંગમાં ઇંગ્લેન્ડને 608 રનનો વિશાળ લક્ષ્યાંક મળ્યો. લક્ષ્યનો પીછો કરતી વખતે, ઇંગ્લેન્ડની અડધી ટીમ 84 રનના સ્કોર પર જ પેવેલિયન પરત ફરી ગઈ. પાંચમા દિવસે જ્યારે ઇંગ્લેન્ડના બેટ્સમેન મેદાનમાં આવ્યા, ત્યારે પહેલા કલાકમાં જ સ્પષ્ટ થઈ ગયું કે ઇંગ્લેન્ડની ટીમ ડ્રો કરવાના ઇરાદા સાથે બેટિંગ કરી રહી છે. બેન સ્ટોક્સ અને જેમી સ્મિથે લાંબા સમય સુધી ભારતને જીતથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય બોલરોના દબાણ સામે તેઓ સફળ રહ્યા નહીં. સ્ટોક્સના આઉટ થયા પછી, ઇંગ્લેન્ડ નિયમિત અંતરાલે વિકેટ ગુમાવતું રહ્યું અને ભારતને ઐતિહાસિક જીત મળી.