India vs Zimbabwe T20I squad 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આગામી 23 જુલાઈથી શરૂ થઈ રહેલી ઝિમ્બાબ્વે સામેની 3 મેચની T20 સિરીઝ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ યુવા ટીમની કમાન શ્રેયસ ઐયરને સોંપવામાં આવી છે. જોકે, આ પસંદગીમાં સૌથી મોટો આંચકો સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનને લાગ્યો છે, જેને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો છે.
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પસંદ કરાયેલી આ ટીમમાં પસંદગીકારોએ યુવા ચહેરાઓ પર મોટો ભરોસો મૂક્યો છે. લાંબા સમયની ઈજા બાદ ફાસ્ટ બોલર મયંક યાદવે ટીમમાં વાપસી કરી છે. આ ઉપરાંત, પોતાની બેટિંગથી ચર્ચામાં આવેલા યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે. વિકેટકીપિંગની જવાબદારી ઈશાન કિશન અને પ્રભસિમરન સિંહ સંભાળશે, જ્યારે તિલક વર્માને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ ટીમમાં કેટલાક નવા (અનકેપ્ડ) ખેલાડીઓને પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રતિભા બતાવવાની શાનદાર તક મળી છે.
ઈંગ્લેન્ડ સામેની વનડે ટીમમાં પણ ફેરફાર
બીજી તરફ, હાલમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં T20 સિરીઝ પૂર્ણ થયા બાદ બંને દેશો વચ્ચે વનડે સિરીઝ રમાવાની છે. પસંદગીકારોએ ઈંગ્લેન્ડ સામેની આ વનડે ટીમમાં પણ એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. જેમાં ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીના સ્થાને આક્રમક બેટ્સમેન શિવમ દુબેનો ભારતીય વનડે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતની 15 સભ્યોની T20 ટીમ: શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (ઉપ-કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિંકુ સિંહ, હર્ષ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ
ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે અપડેટ થયેલી ભારતીય ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ ઐયર (ઉપ-કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કે.એલ. રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, ગુરનુર બ્રાર
આ પણ વાંચોઃ ‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
