મંગળવારે બ્રિસબેન પહોંચેલી ટીમ ઈન્ડિયાને 440 વોટનો ઝટકો લાગ્યો હતો. જ્યારે ખેલાડીઓ હોટેલ પર પહોંચ્યા તો ત્યાં કોઈ સ્ટાફ ન હતો. તેઓને જાતે બેડની ચાદર બદલવી પડી, અને ત્યાં સુધી કે ટોઈલેટ પણ સાફ કરવાનો વારો આવ્યો હતો. જે બાદ આ મામલે ખેલાડીઓએ BCCIને ફરીયાદ કરી હતી. અને BCCIએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે વાત કરીને ખેલાડીઓને યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે જણાવ્યું છે.
હોટલમાં ખેલાડીઓને અનેક સુવિધા નથી મળી રહી. ભારતીય ટીમ જે હોટલમાં રોકાઈ છે ત્યા ખેલાડી હાઉસકિપિંગ સર્વિસ ઉપરાંત સ્વીમિંગ પૂલનો ઉપયોગ નથી કરી શકતા. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું, બ્રિસબેન પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયાને હાઉસકિપિંગ, રૂમ સર્વિસ અને સ્વીમિંગ પુલનો ઉપયોગ કરવાની ના પાડી દેવામાં આવી હતી. આ મુદ્દે બીસીસીઆઈ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સંપર્કમાં છે.
અન્ય એક રિપોર્ટ પ્રમાણે, ભારતીય ટીમ સાથે ટ્રાવેલ કરનારા એક સભ્યએ કહ્યું ખેલાડીઓ રૂમમાં બંધ છે. પોતાના બેડ પર ચાદર ખુદ પાથરી રહ્યા છે. જમવાનું પણ નજીકની હોટલમાંથી આવી રહ્યું છે. હોટલના તમામ કેફે અને રેસ્ટોરંટ બંધ છે. ખેલાડીઓએ ખુદ ટોયલેટ સાફ કરવા પડી રહ્યા છે. સમગ્ર હોટલ ખાલી હોવા છતાં ખેલડીઓને સ્વીમિંગ પૂલ તથા જિમ જેવી સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા છે.