સિડની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે લંચ બાદની રમત શરૂ થઈ ગઈ છે. ભારતનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 284 રન છે. અશ્વિન અને વિહારી રમતમાં છે. પંત 97  રન બનાવી આઉટ થયો હતો.પુજારા 77 રન બનાવી હેઝલવુડની ઓવરમાં આઉટ થયો હતો. પાંચમાં દિવસનું પ્રથમ સેશન ભારતના નામે રહ્યું હતું. ઈન્ડિયાએ આ સેશનમાં અજિંક્ય રહાણેની વિકેટ ગુમાવીને 108 રન બનાવ્યા હતા.


પુજારા અને પંતની જોડીએ ચોથી વિકેટનો 72 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. પુજારા-પંત વચ્ચે ચોથી ઈનિંગમાં ચોથી વિકેટ માટે 148 રનની ભાગીદારી થઈ હતી. જે ભારતના ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં ચોથી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. મેચમાં પુજારાએ ટેસ્ટ ક્રિકેટમાં 6 હજાર રન પૂરા કરવાની સિદ્ધી પણ મેળવી હતી. તે ટેસ્ટમાં આ ઉપલબ્ધિ મેળવનારો ભારતનો 11મો ખેલાડી બન્યો હતો.



આ પહેલાનો રેકોર્ડ રુસિ મોદી અને વિજય હઝારેના નામે હતો. 1948-49માં બંનેએ વેસ્ટ ઈન્ડિઝ સામે મુંબઈમાં ચોથી વિકેટ માટે 139 રનની પાર્ટનરશિપ કરી હતી.

1979-80માં દિલીપ વેંગસરકર અને યશપાલ શર્માએ દિલ્હીમાં પાકિસ્તાન સામે ચોથી વિકેટ માટે 122 રનની ભાગીદારી કરી હતી.