નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ફેન્સ માટે આનંદના સમાચાર છે, રોહિત શર્મા બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીની બાકીની બે મેચો માટે ટીમ સાથે જોડાઇ ગયો છે. મેલબોર્નમાં રોહિત શર્માના ટીમ સાથે જોડાવવા પર સાથી ખેલાડીઓએ હિટમેનને તાળીઓથી સ્વાગત કર્યુ હતુ. બેંગ્લુંરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ ક્લિયર કર્યા બાદ રોહિતે ઓસ્ટ્રેલિયા માટે ફ્લાઇટ પકડી હતી. બીસીસીઆઇએ ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી રોહિત શર્માનો ટીમ સાથે જોડાયાને વીડિયો શેર કર્યો હતો.


વીડિયોમાં ભારતીય ટીમના મુખ્ય કૉચ રવિ શાસ્ત્રી રોહિત પુછતા દેખાઇ રહ્યાં છે કે ક્વૉરન્ટાઇન પીરિયડ દરમિયાન તેનો સમય કેવો વિત્યો. આ વાત સાંભળતા જ સાથી ખેલાડીઓ હંસવા લાગે છે.

ટીમ સાથે જોડાયા બાદ રોહિત શર્મા ભારતીય ટીમના તમામ ખેલાડીઓ અને સપોર્ટિંગ સ્ટાફને ગળે મળ્યો હતો. રોહિતની વાપસથી ભારતીય ટીમ મજબૂત થઇ છે.



આગામી 7મી જાન્યુઆરીથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ સિડનીમાં રમાવવાની છે. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાની જીત થઇ હતી, પરંતુ રહાણેની આગેવાની વાળી ભારતીય ટીમે વળતો પ્રહાર કરીને બીજી ટેસ્ટ-બૉક્સિંગ ડે ટેસ્ટમાં કાંગારુને માત આપીને ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. હવે બન્ને ટીમોની નજર ત્રીજી ટેસ્ટ પર છે.