સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ ડ્રો રહેતાં બ્રિસ્બેન ખાતે રમાનારી ચોથી અને અંતિમ ટેસ્ટ નિર્ણાયક બની ગઈ છે. આ ટેસ્ટ જીતીને ભારત ઓસ્ટ્રેલિયાની ધરતી પર સળંગ બીજી ટેસ્ટ શ્રેણી જીતીને ઈતિહાસ રચી શકે તેમ છે ત્યારે ભારતને વધુ એક ફટકો પડ્યો છે. ચોથી ટેસ્ટમાં ત્રીજી ટેસ્ટનો હીરો હનુમા વિહારી અને રવિન્દ્ર જાડેજા નથી રમવાના એ નક્કી છે ત્યારે હવે ફાસ્ટ બોલર જસપ્રિત બૂમરાહ પણ ઈજાના કારણે નહીં રમી શકતાં ભારતને બહુ મોટો ફટકો પડ્યો છે.


જસપ્રિત બૂમરાહને પેટનો દુઃખાવો હોવાથી તે નહીં રમી શકે એવા અહેવાલ છે. બૂમરાહને પેટના સ્નાયુ સતત ખેંચાવાની તકલીફના કારણે અસહ્ય દર્દ થાય છે. બૂમરાહ ત્રીજી ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં પણ આ ઈજાના કારણે બહાર જતો રહ્યો હતો. બ્રિસ્બેનમાં ચોથી ટેસ્ટ 15 જાન્યુઆરીથી શરૂ થવાની છે એ જોતાં બૂમરાહ સાજો થઈને રમી શકે એવી શક્યતા નહિવત છે.



આ પહેલાં હેમસ્ટ્રિંગ ઈજાના કારણે હનુમા વિહારી ચોથી અને અંતિમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. આ પહેલા રવિન્દ્ર જાડેજા પણ હાથના અંગુઠામાં ફ્રેક્ચરના કારણે બહાર થઈ ગયો હતો અને તે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ ગુમાવશે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમમાંથી ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, લોકેશ રાહુલ, રવિન્દ્ર જાડેજા, હનુમા વિહારી ઇજાના કારણે બહાર થઈ ચૂક્યા છે ત્યારે બૂમરાહની ગેરહાજરીથી ભારતને મોટી ખોટ પડશે.