સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી. હનુમા વિહારી અને અશ્વિને 256 બોલમાં 62 રનની પાર્ટનરશિપ કરી હતી. હનુમા વિહારી ઇજાગ્રસ્ત હોવા છતાં 161 બોલમાં અણનમ 23 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં બેટિંગ દરમિયાન હનુમા ઇજાગ્રસ્ત થયો હતો. તે રન લેવા માટે દોડી શકતો નહોતો છતાં તેણે 3 કલાકથી વધુ સમય બેટિંગ કરીને મેચ ડ્રો કરાવી હતી. અશ્વિન પણ 128 બોલમાં 39 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.


વિહારી અને અશ્વિન ઓસ્ટ્રેલિયન બોલર્સનો મક્કમતાથી સામનો કરી રહ્યા હતા ત્યારે કાંગારુએ સ્લેજિંગ કરીને તેમને પરેશાન કર્યા હતા. છતાં આ બંનેએ એકાગ્રતા ગુમાવી નહોતી. સ્ટમ્પ્સ પાછળ રહેલા ઑસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને અશ્વિનનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એવો જવાબ મળ્યો કે તે પછી કંઈ કહી ના શક્યો.

પેને અશ્વિનને કહ્યું કે, “હવે ગાબા ટેસ્ટ માટે વધારે રાહ નથી જોઇ શકતો.” આગામી ટેસ્ટ બ્રિસ્બેનના ગાબામાં થવાની છે. આના પર અશ્વિને કહ્યું કે, “તને ભારતમાં જોવાનો ઇંતઝાર રહેશે. તે તારી અંતિમ સિરીઝ હશે.” ત્યારબાદ પેન થોડીકવાર તો કંઈ બોલી ના શક્યો અને પછી તેણે અશ્વિન માટે અપશબ્દોનો પ્રયોગ કર્યો. પેન જ નહીં, ઑસ્ટ્રેલિયાના દરેક ખેલાડીએ અશ્વિન અને વિહારીને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો હતો.