ચેન્નઈઃ આવતીકાલથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટથી ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થશે. એક વર્ષ બાદ ભારતમાં કોઇ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. 4 ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચ 5 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. મેચમાં ટીમ મેનેજમેન્ટ માટે પ્લેઇંગ ઇલેવનની પસંદગી સૌથી મુશ્કેલ પ્રશ્ન બની શકે છે. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી અંતિમ ટેસ્ટ મેચમાં શાનદાર દેખાવ કરનારી ટીમમાંથી મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુરની અંતિમ 11માંથી બાદબાકી થઈ શકે છે.

પંડ્યાને કેમ નહીં મળે અંતિમ 11માં સ્થાન

આ ઉપરાંત હાર્દિક પંડ્યાને પણ પ્રથમ ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી બાકાત રાખવામાં આવી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે, પંડ્યાનો આગામી વર્ષે રમાનારા ટી-20 વર્લ્ડકપને લઇ સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ પંડ્યા અને બુમરહાની ફિટનેસ પર નજર રાખવા માંગે છે. પંડ્યાએ ઓસ્ટ્રેલિયા સામે વન ડે અને ટી-20માં શાનદાર બેટિંગ કરી હતી પણ બોલિંગ કરી નહોતી. જો પંડ્યા બોલિંગ માટે ફિટ થઈ જાય તો ભારત માટે ટી20 વર્લ્ડકપમાં સૌથી મોટો મેચ વિનર બની શકે છે.

આવી હાઇ શકે છે પ્લેઇંગ ઇલેવન

ઓપનિંગમાં રોહિત શર્મા અને શુભમન ગિલ, વન ડાઉન ચેતેશ્વર પુજારા, ચોથા ક્રમે વિરાટ કોહલી, પાંચમા ક્રમે અજિંક્ય રહાણે, છઠ્ઠા ક્રમે રિષભ પંત, સાતમા ક્રમે રવિચંદ્રન અશ્વિન, આઠમા ક્રમે વોશિંગ્ટન સુંદર, નવમા ક્રમે કુલદીપ યાદવ, 10મા ક્રમે ઈશાંત શર્મા અને 11 ક્રમે જસપ્રીત બુમરાહની પસંદગી થઈ શકે છે.

કેટલા વાગે શરૂ થશે મેચ

ભારતીય સમય મુજબ સવારે 9.30 કલાકે મેચ શરૂ થશે. 9 કલાકે ટોસ થશે. તમામ ટેસ્ટ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. જ્યારે ઓનલાઈન સ્ટ્રીમિગ હોટસ્ટાર નેટવર્કથી જોઈ શકાશે.

ચેન્નઈમાં ભારત જીતશે ?

ચેન્નઈમાં ભારત અને ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચમાં 9 વખત ટક્કર થઈ છે. જેમાંથી 5 ટેસ્ટ ભારત જીત્યું છે. બંને ટીમો વચ્ચે જ્યારે છેલ્લી વખત અહીં ટેસ્ટ રમાઈ હતી ત્યારે ભારતનો ઈનિંગ અને 75 રનથી વિજય થયો હતો. કેએલ રાહુલ 199 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે કરૂણ નાયરે 303 રનની ઈનિંગ રમી હતી.

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે જાહેર થયેલી ટીમ ઈન્ડિયા

વિરાટ કોહલી, અજિંક્ય રાહાણે, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, રિષભ પંત, રિદ્ધીમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર