Asian Games: એશિયન ગેમ્સમાં પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ નેપાળને 23 રનથી હરાવ્યું હતું. આ મેચમાં યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી. આ જીત સાથે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી. 






ભારતીય ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સ 2023માં સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. આજે (3 ઓક્ટોબર) યોજાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતે નેપાળને 23 રને હરાવીને અંતિમ ચારમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય ટીમની જીતનો હીરો યશસ્વી જયસ્વાલ રહ્યો હતો, જેણે સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને 200નો આંકડો પાર કરવામાં મદદ કરી હતી.






ચીનના હાંગઝોઉ શહેરમાં રમાયેલી આ મેચમાં ભારતીય કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે મજબૂત શરૂઆત કરી હતી અને યશસ્વી અને ગાયકવાડ વચ્ચે પ્રથમ વિકેટ માટે 103 રનની ભાગીદારી થઈ હતી. અહીં ઋતુરાજ 23 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ભારતે તિલક વર્મા (2) અને વિકેટકીપર જીતેશ શર્મા (5)ની વિકેટો જલદી ગુમાવી દીધી હતી. જોકે બીજા છેડેથી યશસ્વીએ વિસ્ફોટક બેટિંગ ચાલુ રાખી હતી. યશસ્વી જયસ્વાલ 49 બોલમાં 100 રન બનાવીને આઉટ થયો હતો. અંતમાં શિવમ દુબે (25) અને રિંકુ સિંહ (37)એ ઝડપી ઇનિંગ્સ રમી અને ભારતીય ટીમને 202 રન સુધી પહોંચાડી દીધી હતી.


203 રનના મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી નેપાળની ઓપનિંગ જોડીએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. કુશલ ભુર્તલ અને આસિફ શેખે પ્રથમ વિકેટ માટે 29 રનની ભાગીદારી કરી હતી. આસિફ 10 રન બનાવીને આઉટ થયો હતો. ભુર્તલે 28 રનની ઇનિંગ રમી હતી. ત્રીજા ક્રમે આવેલા કુશલ માલાએ પણ 29 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત પૌડેલ (3) પણ જલ્દી પેવેલિયન પરત ફર્યો હતો.


અહીંથી દીપેન્દ્રએ 15 બોલમાં 32 રન અને સંદીપે 12 બોલમાં 29 રન બનાવીને નેપાળની વાપસી કરાવી હતી. કરણે પણ 18 રન બનાવીને સંઘર્ષ કર્યો હતો.  જોકે, આ ત્રણેયની ઇનિંગ્સ નેપાળને જીત અપાવી શકી ન હતી અંતે નેપાળની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 179 રન જ બનાવી શકી હતી.