IND vs NZ 1st T20I: નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 48 રને હરાવીને શ્રેણીની શરૂઆત જીત સાથે કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 238 રનનો પહાડ જેવો લક્ષ્યાંક ઉભો કર્યો હતો. ન્યૂઝીલેન્ડ સામે T20 ઇન્ટરનેશનલમાં ભારતનો આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. જવાબમાં કિવી ટીમ માત્ર 190 રન સુધી જ પહોંચી શકી હતી. આ મેચમાં ભારતની જીતનો પાયો અભિષેક શર્માએ નાખ્યો હતો, જેણે 84 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.
ન્યૂઝીલેન્ડ સામે ભારતનો સૌથી મોટો T20 સ્કોર
નાગપુરમાં બનાવવામાં આવેલ 238/7 રનનો સ્કોર ન્યૂઝીલેન્ડ સામે ભારતનો અત્યાર સુધીનો હાઈએસ્ટ T20 ટોટલ છે. આ પહેલા ભારતે 2023માં પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર 234/4 બનાવ્યો હતો. અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ સામે ભારતે 5 વખત 200 થી વધુ રન બનાવ્યા છે.
ન્યૂઝીલેન્ડ સામે ભારતના મોટા T20 સ્કોર:
21 જાન્યુઆરી 2026 (નાગપુર): 238/7, ભારત જીત્યું.
1 ફેબ્રુઆરી 2023 (અમદાવાદ): 234/4, ભારત જીત્યું.
10 ફેબ્રુઆરી 2019 (હેમિલ્ટન): 208/6, ભારત હાર્યું.
24 જાન્યુઆરી 2020 (ઓકલેન્ડ): 204/4, ભારત જીત્યું.
સૂર્યકુમાર યાદવનો ઐતિહાસિક રેકોર્ડ
સૂર્યકુમાર યાદવે પોતાની કારકિર્દીની 100મી T20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી. તેણે આ સિદ્ધિ તેના ડેબ્યૂના માત્ર 1774 દિવસમાં હાંસલ કરી છે, જે ફૂલ મેમ્બર દેશોના ખેલાડીઓમાં સૌથી ઝડપી છે. અગાઉ આ રેકોર્ડ પાકિસ્તાનના બાબર આઝમના નામે હતો, જેણે 2410 દિવસમાં આ સિદ્ધિ મેળવી હતી.
100 T20 રમવા માટે લીધેલા દિવસો:
સૂર્યકુમાર યાદવ (ભારત): 1774 દિવસ.
બાબર આઝમ (પાકિસ્તાન): 2410 દિવસ.
અભિષેક શર્માની ન્યૂઝીલેન્ડ સામે સૌથી ઝડપી T20 ફિફ્ટી
અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડ સામે ભારત તરફથી સૌથી ઝડપી T20 અડધી સદી ફટકારી છે. તેણે માત્ર 22 બોલમાં 50 રન પૂરા કર્યા હતા. અગાઉ આ રેકોર્ડ કેએલ રાહુલ (ઓકલેન્ડ, 2020) અને રોહિત શર્મા (હેમિલ્ટન, 2020) ના નામે હતો, જેમણે 23 બોલમાં ફિફ્ટી કરી હતી.
25 કે તેથી ઓછા બોલમાં સૌથી વધુ ફિફ્ટીનો રેકોર્ડ
અભિષેક શર્મા હવે T20માં 25 કે તેથી ઓછા બોલમાં સૌથી વધુ વખત ફિફ્ટી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે 8 વખત આક્રમક અંદાજમાં અડધી સદી ફટકારી છે.
25 કે તેથી ઓછા બોલમાં ફિફ્ટી (T20):
અભિષેક શર્મા: 8 વખત.
ફિલ સોલ્ટ: 7 વખત.
સૂર્યકુમાર યાદવ: 7 વખત.
એવિન લુઈસ: 7 વખત.
એક ઇનિંગમાં 8+ છગ્ગા અને 5000 રન
અભિષેક શર્માએ T20 ઇન્ટરનેશનલમાં ચોથી વખત એક ઇનિંગમાં 8 કે તેથી વધુ છગ્ગા ફટકાર્યા છે. તે ભારત માટે સૌથી વધુ વખત 8 પ્લસ સિક્સ વાળી ઇનિંગ્સ રમનાર બેટ્સમેન બની ગયો છે.
ભારત માટે 8+ છગ્ગાવાળી ઇનિંગ્સમાં રોહિત શર્મા અને સંજુ સેમસન 3-3 ઇનિંગ્સ સાથે બીજા ક્રમે છે.
આ મેચ દરમિયાન અભિષેક શર્માએ T20 ક્રિકેટ (ઇન્ટરનેશનલ + લીગ ક્રિકેટ) માં પોતાના 5000 રન પણ પૂર્ણ કર્યા છે.
