India Vs Pakistan: શ્રીલંકાના કોલંબો ખાતે રવિવાર, 15 ફેબ્રુઆરી 2026 ના રોજ રમાયેલા T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) ના હાઈ વોલ્ટેજ મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનને 61 રનથી હરાવીને શાનદાર જીત મેળવી છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 175 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાની ટીમ માત્ર 114 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ (Fielding) એમ દરેક વિભાગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ભારતે પાકિસ્તાનને પછાડ્યું છે. આ વિજય સાથે જ ભારત સત્તાવાર રીતે સુપર 8 (Super 8) તબક્કા માટે ક્વોલિફાય થઈ ગયું છે. આ મેચમાં ભારતની જીત પાછળ ત્રણ મુખ્ય ખેલાડીઓનું (Match Heroes) યોગદાન સર્વોપરી રહ્યું હતું.
પ્રથમ હીરો: ઈશાન કિશનનો આક્રમક પાયો
ભારતીય ઇનિંગની શરૂઆતમાં જ અભિષેક શર્મા શૂન્ય રને આઉટ થયા બાદ ઈશાન કિશને (Ishan Kishan) મોરચો સંભાળ્યો હતો. તેણે પાકિસ્તાની બોલરો પર વળતો હુમલો કરતા માત્ર 27 બોલમાં પોતાની અડધી સદી (Fastest Fifty) પૂર્ણ કરી હતી. ઈશાને કુલ 40 બોલમાં 77 રનની આક્રમક ઇનિંગ રમીને ભારતને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. તેણે પાવરપ્લેનો (Powerplay) મહત્તમ લાભ ઉઠાવીને રન રેટને ઊંચો રાખ્યો હતો, જે અંતે નિર્ણાયક સાબિત થયો હતો.
દ્વિતીય હીરો: વરુણ ચક્રવર્તીની 'મિસ્ટ્રી' બોલિંગનો જાદુ
જ્યારે પાકિસ્તાની ટીમ મેચમાં ટકી રહેવા મથી રહી હતી, ત્યારે ભારતના 'રહસ્યમય સ્પિનર' (Mystery Spinner) વરુણ ચક્રવર્તીએ બાજી પલટી નાખી હતી. તેણે અત્યંત ચોકસાઈપૂર્વક બોલિંગ કરતા 3 ઓવરમાં માત્ર 17 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપી હતી. વરુણે સતત બે બોલમાં ફહીમ અશરફ અને અબરાર અહેમદને આઉટ કરીને પાકિસ્તાનની જીતની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. તેની કરકસરયુક્ત બોલિંગે પાકિસ્તાની બેટ્સમેનોને દબાણમાં લાવી દીધા હતા.
તૃતીય હીરો: હાર્દિક પંડ્યાનો બોલિંગમાં પરાક્રમ
બેટિંગમાં ગોલ્ડન ડક પર આઉટ થયા બાદ હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) બોલિંગમાં પોતાની શક્તિ સાબિત કરી હતી. પાકિસ્તાન માટે સૌથી મોટો ખતરો બની શકે તેવા સાહિબજાદા ફરહાનને શૂન્ય રને પેવેલિયન ભેગો કરીને હાર્દિકે ટીમને મહત્વની સફળતા અપાવી હતી. હાર્દિકે મેચમાં કુલ 2 વિકેટ ઝડપીને મધ્યમ ઓવરોમાં પાકિસ્તાની બેટિંગ લાઈન અપને (Batting Line up) તોડવાનું કામ કર્યું હતું. તેની આ ધારદાર બોલિંગે ભારતની જીતની રાહ આસાન કરી દીધી હતી.
