IND vs SA T20 World Cup: ટી20 વર્લ્ડ કપ 2026ના લીગ સ્ટેજમાં ચારેય મેચો જીતીને શાનદાર ફોર્મ સાથે સુપર-8માં પહોંચેલી ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ રવિવાર, 22 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમાવાની છે. એડન માર્કરમની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકાની ટીમે પણ લીગ સ્ટેજની તમામ મેચો જીતી છે, જેના કારણે ગયા વર્ષના બંને ફાઇનલિસ્ટ વચ્ચેની આ ટક્કર ખૂબ જ રોમાંચક રહેવાની ધારણા છે. જોકે, આ મહત્વની મેચ પહેલા ભારતીય કેમ્પમાંથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ ઈજાગ્રસ્ત થયો છે. અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યાના એક જોરદાર શોટને રોકવા જતાં સિરાજને ઈજા પહોંચી હતી.

મોહમ્મદ સિરાજે આ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા 3 વિકેટ ઝડપી હતી, પરંતુ જસપ્રીત બુમરાહની વાપસી બાદ તેને અંતિમ અગિયારમાંથી બહાર બેસવું પડ્યું હતું. હાલમાં ટીમ ઈન્ડિયા અમદાવાદમાં છે, જ્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જંગ જામશે. શુક્રવારે સાંજે પ્રેક્ટિસ દરમિયાન હાર્દિક પંડ્યાના શોટથી સિરાજના ડાબા પગના ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે તે લંગડાતો જોવા મળ્યો હતો અને પ્રેક્ટિસ છોડીને જવું પડ્યું હતું. આ ઈજા કેટલી ગંભીર છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સુપર-8 પહેલા આ ઘટનાએ ટીમ મેનેજમેન્ટની ચિંતા વધારી દીધી છે.

દક્ષિણ આફ્રિકા સામેની આ નિર્ણાયક મેચમાં ભારતની પ્લેઈંગ-11 માં ફેરફાર થવાની પૂરેપૂરી શક્યતા છે. લીગ સ્ટેજની છેલ્લી મેચમાં આરામ આપ્યા બાદ વાઈસ કેપ્ટન અક્ષર પટેલની વાપસી થઈ શકે છે. અક્ષર પટેલ બેટિંગ અને બોલિંગ બંનેમાં સંતુલન પૂરું પાડે છે, જે દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમ સામે અત્યંત જરૂરી છે. બીજી તરફ, ભારતીય બોલિંગ કોચ મોર્ને મોર્કલે સ્પિનર વરુણ ચક્રવર્તીના પ્રદર્શનના ખૂબ જ વખાણ કર્યા છે. તેમણે જણાવ્યું કે વરુણ ટીમના મુખ્ય વિકેટ ટેકર બોલર છે અને તેણે અત્યાર સુધી વર્લ્ડ કપમાં પ્રભાવશાળી દેખાવ કર્યો છે. રવિવારની મેચમાં ભારત અભિષેક શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા જેવા સ્ટાર ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી શકે છે.

Continues below advertisement
Continues below advertisement

સંભવિત પ્લેઈંગ 11: અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ.