India Vs West Indies 1st T20: ટેસ્ટ અને વન-ડે બાદ હવે ભારતીય ટીમ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 મેચની T20 સીરિઝ રમાશે. શ્રેણીની પ્રથમ મેચ આજે (3 ઓગસ્ટ) પોર્ટ ઓફ સ્પેનમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી રમાશે. ભારતીય ટીમે 2-ટેસ્ટ શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને 1-0થી હરાવ્યું હતું. જે બાદ 3 મેચની વનડે શ્રેણીમાં 2-1થી પરાજય થયો હતો. હવે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ ટી-20માં યજમાન વેસ્ટ ઇન્ડિઝને કચડવા ઉતરશે. આ ભારતની 200મી ટી-20 મેચ હશે. માત્ર પાકિસ્તાને (223) ભારત કરતાં વધુ ટી- 20 મેચ રમી છે.
યશસ્વી, તિલક વર્મા કે મુકેશ કુમાર, કોનું થશે ડેબ્યુ
રોહિત શર્મા અને વિરાટ કોહલીને આ શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. જ્યારે 15 સભ્યોની ટીમમાં 4 ખેલાડી છે, જેઓ પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે. આ છે સ્ટાર ખેલાડી શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા અને ફાસ્ટ બોલર મુકેશ કુમાર. જો યશસ્વીને તક મળશે તો તે T20માં ડેબ્યૂ કરશે. જ્યારે તિલક હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી શક્યો નથી.
છેલ્લી 5 ટી-20 સીરિઝમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું ટેસ્ટ અને વન-ડેની સાથે સાથે ભારતીય ટીમનો ટી-20 ફોર્મેટમાં પણ વેસ્ટ ઈન્ડિઝ સામે ભારે ઉપરનો હાથ છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 8 દ્વિપક્ષીય ટી-20 શ્રેણી રમાઈ છે. તેમાંથી ભારતીય ટીમે 6 શ્રેણી જીતી છે, જ્યારે 2માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. વેસ્ટ ઈન્ડિઝે 2016 અને 2017માં ભારત સામે સતત 2 શ્રેણી જીતી હતી. ત્યારથી ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને 5 ટી-20 શ્રેણીમાં સતત હરાવ્યું છે. આ વખતે પણ જો ભારતીય ટીમ જીતશે તો વેસ્ટ ઈન્ડિઝ સામેની દ્વિપક્ષીય ટી-20 શ્રેણીમાં ભારતની સતત છઠ્ઠી જીત હશે.