કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર આગામી 1 માર્ચના રોજ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રસાકસીભર્યો મુકાબલો ખેલાવાનો છે, પરંતુ જો કુદરત રમત બગાડે તો સેમિફાઇનલની રેસમાં મોટો ઉલટફેર થઈ શકે તેમ છે. આ મેચ બંને ટીમો માટે કરો અથવા મરો સમાન છે, કારણ કે અત્યારે બંને ટીમો પાસે 2 2 પોઈન્ટ્સ છે. જો આ મેચમાં વરસાદ પડે અને રમત રદ થાય, તો ભારત માટે ટૂર્નામેન્ટની સફર મુશ્કેલ બની શકે છે અને વેસ્ટ ઈન્ડિઝને નસીબના જોરે આગલી મંજિલ મળી શકે છે.

સેમિફાઇનલમાં પહોંચવા માટેની ગણતરી અને નેટ રન રેટ

ગ્રુપ 2 માં અત્યારે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પણ રન રેટને લઈને ખેંચતાણ ચાલી રહી છે, પરંતુ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ માટે સ્થિતિ કાચ જેવી ચોખ્ખી છે. જે ટીમ આ મેચ જીતશે, તે સીધી જ અંતિમ ચારમાં પોતાનું સ્થાન પાકું કરી લેશે. જો ભારત આ મેચ માત્ર 1 રનથી પણ જીતી જાય, તો પણ તે સેમિફાઇનલમાં પહોંચી જશે. જોકે, જો વરસાદ વિઘ્ન બને અને મેચ ધોવાઈ જાય, તો બંને ટીમો વચ્ચે 1 1 પોઈન્ટ વહેંચવામાં આવશે.

Continues below advertisement

Continues below advertisement

આવી સ્થિતિમાં બંને ટીમો પાસે કુલ 3 3 પોઈન્ટ્સ થશે. અહીં જ ભારત માટે ખતરો ઉભો થાય છે, કારણ કે વેસ્ટ ઈન્ડિઝનો નેટ રન રેટ અત્યારે +1.791 છે, જે ઘણો મજબૂત છે. તેની સામે ભારતીય ટીમનો નેટ રન રેટ  0.100 છે, જે ઘણો નબળો કહી શકાય. પરિણામે, મેચ રદ થવાની સ્થિતિમાં વેસ્ટ ઈન્ડિઝ રન રેટના આધારે આગળ નીકળી જશે અને ભારત બહાર ફેંકાઈ જશે.

કોલકાતાનું હવામાન અને મેદાનની સ્થિતિ

ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર એ છે કે હવામાન વિભાગની આગાહી મુજબ 1 માર્ચના રોજ કોલકાતાનું આકાશ એકદમ સાફ રહેશે. દિવસ દરમિયાન સારો તડકો નીકળવાની શક્યતા છે અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. આનો અર્થ એ છે કે વરસાદ મેચમાં ખલેલ પહોંચાડે તેવી શક્યતા નહિવત છે. ભારતીય ટીમ માટે આ રાહતના સમાચાર છે, કારણ કે તેમને સેમિફાઇનલમાં પહોંચવા માટે મેદાન પર જીત મેળવવી અનિવાર્ય છે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પૂરી તાકાત લગાવીને વેસ્ટ ઈન્ડિઝના પડકારને ઝીલવો પડશે.