Team India Squad: ભારતમાં હાલમાં ઈન્ડિયન પ્રિમિયર 2025નો રોમાંચ છવાયો છે. દરમિયાન BCCI એ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સાથેની ત્રિકોણીય વન-ડે સીરિઝ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન છે. ટીમની જાહેરાત કરતી વખતે BCCI એ કહ્યું કે રેણુકા સિંહ અને તિતાસ સાધુ ઘાયલ છે. બંને ખેલાડીઓ પસંદગી માટે ઉપલબ્ધ નહોતા અને તેથી તેમની પસંદગી કરવામાં આવી ન હતી.

ભારત, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે ત્રિકોણીય વન-ડે સીરિઝ 27 એપ્રિલથી શ્રીલંકામાં શરૂ થશે. દરેક ટીમ 4-4 મેચ રમશે એટલે કે દરેક ટીમ સાથે 2-2 મેચ રમશે. ભારત 27 એપ્રિલે શ્રીલંકા સામે પોતાની પહેલી મેચ રમશે. આ પછી બંને ટીમો 4 મેના રોજ બીજી વખત ટકરાશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ 29 એપ્રિલ અને 7 મેના રોજ રમાશે. ભારત તેની બધી મેચ કોલંબોમાં રમશે. બધી મેચો પછી 11 મેના રોજ ટોચની 2 ટીમો વચ્ચે ફાઇનલ રમાશે.

ટીમમાં સામેલ ખેલાડીઓ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, જેમિમા રોડ્રિગ્સ, ઋચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા, અમનજોત કૌર, કાશવી ગૌતમ, સ્નેહ રાણા, અરુંધતિ રેડ્ડી, તેજલ હસબનીસ, શ્રી ચરની, શુચિ ઉપાધ્યાય

ત્રિકોણીય શ્રેણીમાં ભારતીય ટીમનો કાર્યક્રમ

27  એપ્રિલ – ભારત વિરુદ્ધ શ્રીલંકા (કોલંબો)

29 એપ્રિલ – ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (કોલંબો)

4  મે - ભારત વિરુદ્ધ શ્રીલંકા (કોલંબો)

7 મે - ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (કોલંબો)

ICC રેન્કિંગમાં ત્રણેય ટીમોનું સ્થાન

ભારતીય ક્રિકેટ ટીમ ICC મહિલા વન-ડે ટીમ રેન્કિંગમાં ત્રીજા ક્રમે છે. ટીમના 112 રેટિંગ પોઈન્ટ છે. દક્ષિણ આફ્રિકા 103 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ 80 રેટિંગ પોઈન્ટ સાથે રેન્કિંગમાં 8મા ક્રમે છે.