IND vs NZ 2nd Test: ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. હવે આ હાર બાદ અચાનક બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ મુજબ સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરી લેવામાં આવ્યો છે.


એક્સપ્રેસ સ્પોર્ટ્સ મુજબ, વોશિંગ્ટન સુંદરને બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરી લેવામાં આવ્યો છે. બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં મળેલી હારના થોડા કલાકો બાદ જ સુંદરના ટીમ ઈન્ડિયામાં સામેલ થવાની માહિતી સામે આવી. જોકે હજુ સુધી આધિકારિક રીતે BCCIની તરફથી સુંદરને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવા અંગે કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી.


સુંદરે 2021માં રમ્યો હતો છેલ્લી ટેસ્ટ


જણાવી દઈએ કે વોશિંગ્ટન સુંદરે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ટેસ્ટ માર્ચ, 2021માં ઇંગ્લેન્ડ સામે અમદાવાદમાં રમી હતી. અત્યાર સુધી તે ભારત માટે ચાર ટેસ્ટ રમી ચૂક્યો છે. આ મેચોની 6 ઇનિંગ્સમાં બેટિંગ કરતાં તેણે 66.25ની સરેરાશથી 265 રન બનાવ્યા છે, જેમાં તેણે 3 અર્ધશતક ફટકાર્યા છે. ટેસ્ટમાં સુંદરનો હાઈએસ્ટ સ્કોર 96* રનનો છે. આ ઉપરાંત 7 ઇનિંગ્સમાં બોલિંગ કરતાં તેણે 49.83ની સરેરાશથી 6 વિકેટ ઝડપી છે.


બેંગલુરુ ટેસ્ટમાં આ રીતે ટીમ ઈન્ડિયાની હાર થઈ


બેંગલુરુમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને પ્રથમ ઇનિંગ્સમાં 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. પછી પ્રથમ ઇનિંગ્સમાં બેટિંગ માટે ઉતરેલી ન્યુઝીલેન્ડ ટીમે 402 રન બોર્ડ પર લગાવ્યા. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ તેની બીજી ઇનિંગ્સમાં 462 રન બનાવીને ન્યુઝીલેન્ડ સામે 107 રનનો લક્ષ્યાંક મૂક્યો. લક્ષ્યાંકનો પીછો કરતાં કીવી ટીમે 110/2 રન બનાવીને 8 વિકેટથી જીત પોતાના ખાતામાં નોંધાવી લીધી.


વાસ્તવમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો. ટીમ ઈન્ડિયા આ દરમિયાન પ્રથમ ઇનિંગ્સમાં 46 રનના સ્કોર પર સમેટાઈ ગઈ. રોહિતે ઇનિંગ્સ પછી પોતે જ કહ્યું કે તેમણે પિચને સમજવામાં ભૂલ કરી દીધી. આ જ ભારતની હારનું મહત્વનું કારણ બની ગયું. જો ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરતી તો પરિણામ કંઈક અલગ હોઈ શકતું હતું. જોકે ભારતે બીજી ઇનિંગ્સમાં કમબેક કર્યું અને 462 રન બનાવ્યા. પરંતુ આનાથી જીત ન મળી શકી.


આ પણ વાંચોઃ


IND vs NZ 1st Test: એક ખોટા નિર્ણયને કારણે ટીમ ઈન્ડિયાના હાથમાંથી મેચ સરકી ગઈ, આ રહ્યા હારના કારણ