(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2021, Uncapped Players: ઘરેલુ ક્રિકેટમાં તરખાટ મચાવનાર આ પાંચ ભારતીય અનકેપ્ડ ખેલાડીઓ આ સીઝનમાં કરી શકે છે ડેબ્યૂ, જાણો વિગતે
ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14 મી સિઝન શરૂ થવામાં માત્ર બે જ દિવસ બાકી છે. 9 એપ્રિલથી આઈપીએલ શરુ થવા જઈ રહી છે. આ સીઝનની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)અને મુંબઇ ઇન્ડિયન્સ (MI)વચ્ચે રમાવાની છે
IPL 2021 : ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14 મી સિઝન શરૂ થવામાં માત્ર બે જ દિવસ બાકી છે. IPLએ ભારતીય ક્રિકેટ ટીમ(Team India)ને ઘણા સ્ટાર ખેલાડીઓ આપ્યા છે. આ વર્ષે પણ આઈપીએલમાંથી ઘણા ખેલાડીઓ ટીમ ઇન્ડિયામાં સામેલ થઈ શકે છે. આ સીઝનની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)અને મુંબઇ ઇન્ડિયન્સ (MI)વચ્ચે રમાવાની છે. ત્યારે જાણો, કયા અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ આ સીઝનમાં ડેબ્યૂ કરી શકે છે.
મોહમ્મદ અઝહરુદ્દીન
ઘરેલું ક્રિકેટમાં કેરળ તરફથી રમનારા 27 વર્ષના વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીન (Mohammed Azharuddeen)ને આઈપીએલ 2021 (IPL 2021)ની હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. 2021 માં સૈયદ મુસ્તાક અલી ટી20 ટ્રોફીમાં અઝહરુદ્દીન 37 બોલમાં સદી ફટકાર્યા બાદ ચર્ચામાં આવ્યો હતો. તોફાની બેટિંગ માટે જાણીતો અઝહરુદ્દીન આ વર્ષે આઇપીએલમાં ડેબ્યૂ કરશે એમ માનવામાં આવે છે.
અર્જૂન તેંડુલકર
આઈપીએલ 2021 ની હરાજીમાં 20 લાખ રૂપિયાના બેઝ ઇનામ માટે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર (Arjun Tendulkar)ને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ખરીદ્યો છે. અર્જુન લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર તેમજ વિસ્ફોટક બેટ્સમેન પણ છે. અર્જુનના ઓલરાઉન્ડરના પ્રદર્શનને જોતા એવું માનવામાં આવે છે કે, મુંબઈ તેને આ વર્ષે ડેબ્યૂ કરવાની તક આપી શકે છે.
વિરાટ સિંહ
વિરાટ સિંહ(Virat Singh)ને ઘરેલું ક્રિકેટમાં ટી20 નિષ્ણાંત માનવામાં આવે છે. તેણે આ ફોર્મેટમાં એક સદી અને 11 અડધી સદી ફટકારી છે. ટી 20 ક્રિકેટની 61 મેચોમાં 37.54 ની સરેરાશથી 1802 રન બનાવ્યા છે. વિરાટને સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2020ની હરાજીમાં 1.90 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ ગત સિઝનમાં તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. જો કે, આ વર્ષે, તેના વર્તમાન પ્રદર્શનને જોતા તક મળી શકે છે.
શાહરુખ ખાન
આઈપીએલ 2021 (IPL 2021) ની હરાજીમાં 25 વર્ષીય ઓલરાઉન્ડર શાહરૂખ ખાન (Shahrukh Khan)ને પંજાબ કિંગ્સે 5.25 કરોડમાં ખરીદ્યો હતો. શાહરુખ ઘરેલું ક્રિકેટના શ્રેષ્ઠ મેચ ફિનીશર્સ તરીકે ઉભરી આવ્યો છે. તાજેતરમાં સૈયદ મુસ્તાક અલી ટી20 ટ્રોફીમાં તેણે પોતાની વિસ્ફોટક બેટિંગનો દાખલો રજૂ કર્યો હતો. આઈપીએલ 2021 માં શાહરૂખની ડેબ્યૂ નિશ્ચિત માનવામાં આવી રહી છે.
કેએસ ભરત
આંધ્ર તરફથી ઘરેલું ક્રિકેટમાં રમતા 27 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન કેએસ ભરત (KS Bharat)ને આઈપીએલ 2021 ની હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા 20 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. ભરતના નામે 48 ટી20 મેચોમાં 730 રન છે. એબી ડી વિલિયર્સ પછી ભરત આરસીબીનો બીજો વિકેટકીપર છે. એવામાં તે આ વર્ષે ડેબ્યૂ કરી શકે છે.