IPL 2021 Final, CSK vs KKR: ધોનીની કેપ્ટનશશિપમાં સીએસકે વધુ એક વખત આઈપીએલ વિજેતા બન્યું હતું.  ચેન્નાઇ સુપર કિંગ્સે ચોથી વખત આઈપીએલ ટાઇટલ જીતતા ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 27 રનથી હરાવ્યું હતું. જોગાનુજોગ ધોનીની કારકિર્દીની આ 300મી ટી-20ની મેચ કેપ્ટન તરીકેની હતી.


ધોની આઈપીએલની 228 મેચમાં કેપ્ટન રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી તેણે 214 મેચમાં કેપ્ટનશિપ કરી છે. 200થી વધુ મેચમાં તેની સિવાય વેસ્ટ ઈન્ડિઝના ડેરેન સેમીએ જ કેપ્ટનશિપ કરી છે.  300 ટી20 મેચમાં કેપ્ટનશિપ કરનારો તે એકમાત્ર ખેલાડી છે. 40 વર્ષીય ધોની 10 વખત આઈપીએલમાં કેપ્ટનશિપ કરી ચુક્યો છે. જેમાં નવ વખત સીએસકે અને એક વખત સુપર જાયન્ટ્સનો કેપ્ટન રહ્યો છે.


ચેન્નઈ જીતતાં જ ક્રિકેટરોના પરિવારજનો ઝૂમી ઉઠ્યાં


મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપરકિંગ્સનું આ ચોથું ટાઇટલ છે. ધોની હવે રોહિત શર્મા બાદ સૌથી વધુ IPL જીતનારો કેપ્ટન બની ગયો છે. 2010, 2011, 2018, 2021માં મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપરકિંગ્સે ટ્રોફી પોતાના નામે કરી છે. મેચ જીત્યા બાદ IPL એ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે ચેન્નઈના તમામ ખેલાડીઓ સહિત કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની પણ ડાન્સ કરતી જોવા મળે છે. આ સાથે પ્રિયંકા ચૌધરી અને રીવાબા પણ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.   




ભારત માટે 72 ટી20 મેચમાં આગેવાની કરી


ધોનીએ જાન્યુઆરી 2017માં ટી20ની કેપ્ટનશિપ છોડી દીધી હતી. ધોનીની આગેવાનીમાં ભારતે 2007માં સાઉથ આફ્રિકામાં રમાયેલ પ્રથમ ટી20 વિશ્વકપ કબજે કર્યો હતો. ધોનીએ ભારત માટે 72 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં આગેવાની કરી જેમાં 41માં જીત અને 28 મુકાબલામાં હાર મળી છે. એક મેચ ટાઈ રહી છે જ્યારે બે મેચનું પરિણામ આવ્યું નથી.