IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો બોલર હર્ષલ પટેલ ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સિઝનમાં શાનદાર પ્રદર્શન કરતો રહ્યો છે. હર્ષલ પટેલે બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં જસપ્રીત બુમરાહનો ખૂબ જ ખાસ રેકોર્ડ તોડ્યો હતો.


આઈપીએલ 2021માં હર્ષલ પટેલે કેટલી વિકેટ લીધી છે


હર્ષલ પટેલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં ચાર ઓવરમાં 33 રન આપ્યા હતા. આ સાથે હર્ષલ પટેલ ચાર ઓવરમાં વિલિયમસન, સાહા અને હોલ્ડરની મહત્વની વિકેટ લીધી હતી. આઈપીએલની 14 મી સિઝનમાં હર્ષલ પટેલની વિકેટની સંખ્યા 29 પર પહોંચી ગઈ છે. હર્ષલ પટેલે માત્ર પર્પલ કેપ પર કબજો કર્યો જ નથી, પરંતુ તે આઈપીએલની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર પણ બની ગયો છે.


બુમરાહે કેટલી વિકેટ લીધી હતી


આ પહેલા IPL ની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ જસપ્રીત બુમરાહના નામે હતો. બુમરાહે ગયા વર્ષે 27 વિકેટ લીધી હતી. હર્ષલ પટેલે હવે બુમરાહનો રેકોર્ડ તોડી નાખ્યો છે.  RCB ની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે RCB ટૂર્નામેન્ટમાં ઓછામાં ઓછી બે વધુ મેચ રમશે. જો હર્ષલ પટેલ વધુ ચાર વિકેટ લેશે તો તે એક સીઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ તોડી નાખશે.


આઈપીએલ સીઝનમાં સૌથી વધુ વિકેટ કોણે લીધી છે


IPL સીઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોના નામે છે. 2013માં બ્રાવોએ ચેન્નઈ સુપર કિંગ્સ તરથી રમતાં 32 વિકેટ લીધી હતી. તેનો આ રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી. જે બાદ આઈપીએલ 2020માં દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ 30 વિકેટ લીદી હતી. 2011માં લસિથ મલિંગાએ 28 વિકેટ લીધી હતી.


આ પણ વાંચોઃ IPL 2021: પ્લે ઓફ પહેલા ધોનીની ટીમમાં થયો ફેરફાર, વધુ એક કેરેબિયન ખેલાડીને લીધો ટીમમાં