IPL 2023, Jaydev Unadkat Injury: IPLની 16મી સિઝનમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદીમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ટીમના સભ્ય જયદેવ ઉનડકટનું નામ પણ જોડાઈ ગયું છે. 30 એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચ પહેલા ટીમ પ્રેક્ટિસ દરમિયાન જયદેવ ઉનડકટને ડાબા ખભામાં ગંભીર ઈજા થઈ હતી.
નેટ પ્રેક્ટિસ સમયે બોલિંગ કરતી વખતે જયદેવ ઉનડકટનો એક પગ નેટ પર ફસાઈ ગયો હતો અને તેના કારણે તે ખૂબ જ ઝડપથી પડી ગયો હતો. જ્યારે જયદેવ ઉનડકટને ઈજા થઈ ત્યારે તે સ્પષ્ટપણે પીડામાં દેખાઈ રહ્યો હતો. અહેવાલો અનુસાર ઉનડકટ હાલમાં લખનૌની ટીમ સાથે છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની ઈજાના અપડેટ માટે સતત સંપર્કમાં છે.
જયદેવ ઉનડકટના સંબંધમાં ESPN ક્રિકઇન્ફોના સમાચાર મુજબ, તેના ખભામાં હજુ પણ સોજો છે. જણાવી દઈએ કે ઉનડકટને 7 જૂનથી યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમનો પણ ભાગ બનાવવામાં આવ્યો છે. ઉનડકટની ઈજાના સમાચારે ચોક્કસપણે ટીમ ઈન્ડિયાનું ટેન્શન પણ વધારી દીધું છે.
કેએલ રાહુલ આરસીબી સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો
RCB સામેની મેચ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના કેપ્ટન કેએલ રાહુલ પણ ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ઈનિંગની બીજી ઓવરમાં મેદાનની બહાર ગયા બાદ રાહુલે ફરી આખી ઈનિંગ દરમિયાન મેચમાં વધુ ભાગ લીધો ન હતો. બાઉન્ડ્રી રોકવાના પ્રયાસમાં રાહુલ બોલનો પીછો કરી રહ્યો હતો. આ દરમિયાન તેના જમણા પગમાં ખેંચ આવતા તે જમીન પર આડો પડી ગયો હતો. આ પછી સાથી ખેલાડીઓની મદદથી રાહુલને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.
બેંગ્લુરુની ટીમે મેચ 18 રને જીતી લીધી
IPLની 16મી સિઝનની 43મી લીગ મેચ લો સ્કોરિંગ રહી હતી. પરંતુ તમામ ચાહકોમાં મેચને લઈ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની તેમની પાછલી હારની બરાબરી કરી હતી અને મેચ 18 રને જીતી લીધી હતી. 127 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમ 19.5 ઓવરમાં 108ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આરસીબી તરફથી બોલિંગમાં કર્ણ શર્મા અને હેઝલવુડે 2-2 વિકેટ પોતાના નામે કરી હતી.