RR vs GT, IPL 2023: IPLની 16મી સિઝનની 48મી મેચ શુક્રવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી આ મેચમાં આરઆરએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, રાજસ્થાનની ટીમ હોમ ગ્રાઉન્ડ પર 17.5 ઓવરમાં 118 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સંજુ સેમસને સૌથી વધુ 30 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નહોતો. જવાબમાં ગુજરાતની ટીમે 13.5 ઓવરમાં 1 વિકેટના નુકસાને 119 રન બનાવીને 9 વિકેટે મેચ જીતી લીધી હતી.


પોઈન્ટ ટેબલમાં કોઈ ફેરફાર નહી


આ સિઝનમાં ગુજરાતની આ 7મી જીત છે. આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ગુજરાતની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. અગાઉ પણ ગુજરાત 12 પોઈન્ટ સાથે ટોપ પર હતું અને હવે આ જીત બાદ તે 14 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે. હાર્દિક પંડ્યાની ટીમનો નેટ રન રેટ +0.752 છે.   રાજસ્થાનના સ્થાનમાં  કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. ટીમ 10 મેચમાં 5 જીત સાથે ચોથા સ્થાન પર છે. તેનો નેટ રન રેટ +0.448 છે.


અન્ય ટીમોની સ્થિતિ


હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ 14 પોઈન્ટ સાથે ટોચ પર છે. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ બીજા નંબર પર છે. આ સિવાય માહીની કપ્તાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ ત્રીજા નંબર પર છે. લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ 11-11 પોઈન્ટ ધરાવે છે. આ સિવાય રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ ક્રમશઃ ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા નંબરે છે. રાજસ્થાન, બેંગ્લોર, મુંબઈ અને પંજાબના 10-10 પોઈન્ટ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ 8મા નંબર પર છે. આ સિવાય સનરાઈઝર્સ હૈદરાબાદ નવમા નંબરે અને દિલ્હી કેપિટલ્સ નંબર દસ પર છે. કોલકાતાના 8 પોઈન્ટ છે જ્યારે હૈદરાબાદ અને દિલ્હીના 6-6 પોઈન્ટ છે. 


ગુજરાતની ટીમ માત્ર ત્રણ મેચ હારી છે. બીજી તરફ આ હાર બાદ રાજસ્થાન ચોથા સ્થાને છે. તેના 10 મેચમાં 10 પોઈન્ટ છે. રાજસ્થાનને પાંચ જીત અને પાંચમાં હાર મળી છે.  ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને તેના ઘરે આસાનીથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરીને રાજસ્થાન રોયલ્સ ટીમ 118 રન જ બનાવી શકી હતી. આ પછી ગુજરાતે માત્ર 13.5 ઓવરમાં જ લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ગુજરાત તરફથી હાર્દિક પંડ્યાએ 15 બોલમાં અણનમ 39 અને રિદ્ધિમાન સાહાએ અણનમ 41 રન બનાવ્યા હતા.