Vaibhav Suryavanshi: રાજસ્થાન રોયલ્સ માટે IPL 2025 સીઝન અપેક્ષા મુજબ રહી નથી કારણ કે તેઓ તેમના લીગ સ્ટેજ મેચો સમાપ્ત થાય તે પહેલાં જ પ્લેઓફ રેસમાંથી બહાર થઈ ગઈ છે. રાજસ્થાન રોયલ્સને 1 મેના રોજ મુંબઈ ઇન્ડિયન્સ સામે 100 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જેમાં તેમના બોલરો તેમજ બેટ્સમેનોએ તેમના પ્રદર્શનથી નિરાશ કર્યા હતા. આ મેચમાં 14 વર્ષીય ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી કંઈ ખાસ કરી શક્યો નહીં અને શૂન્ય રને આઉટ થઈને પેવેલિયન પાછો ફર્યો. આ સાથે, વૈભવ IPLના ઇતિહાસમાં એક ખાસ યાદીનો ભાગ બની ગયો છે, જેમાં સુરેશ રૈના અને શેન વોટસનના નામ પણ શામેલ છે.
વૈભવ સૂર્યવંશી IPL ઇતિહાસમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી છે, પરંતુ તેણે 28 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં માત્ર 38 બોલમાં 101 રન બનાવીને ઘણા નવા રેકોર્ડ પણ બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં બધાને તેની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા હતી પરંતુ તે બિલકુલ ખરો ઉતરી શક્યો નહીં. આ મેચમાં માત્ર 2 બોલનો સામનો કર્યા બાદ વૈભવ પેવેલિયન પાછો ફર્યો.
આ સાથે, વૈભવ સૂર્યવંશી IPLના 18 વર્ષના ઇતિહાસમાં 7મો ખેલાડી બની ગયો છે જે સદી ફટકાર્યા પછી આગામી ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ થયો છે. આ પહેલા આ યાદીમાં સુરેશ રૈના, શેન વોટસન, ઈશાન કિશન, યુસુફ પઠાણ, વેંકટેશ ઐયર અને માર્કસ સ્ટોઈનિસના નામ સામેલ હતા.
વૈભવ T20 ક્રિકેટમાં શૂન્ય રને આઉટ થનાર બીજો સૌથી યુવા ખેલાડી બન્યોવૈભવ સૂર્યવંશી હવે T20 ક્રિકેટ ઇતિહાસમાં શૂન્ય પર આઉટ થનાર બીજો સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે, શાહ મુરીદ આ યાદીમાં ટોચ પર છે, જે 2012 માં 13 વર્ષ અને 284 દિવસની ઉંમરે શૂન્ય પર આઉટ થયો હતો. તે જ સમયે, વૈભવ 14 વર્ષ અને 35 દિવસની ઉંમરે T20 ક્રિકેટમાં પહેલીવાર શૂન્ય રને આઉટ થયો, જેના કારણે તે આ યાદીમાં સીધો બીજા સ્થાને આવી ગયો છે. વૈભવે અત્યાર સુધીમાં IPL 2025 સીઝનમાં 4 મેચ રમી છે, જેમાં તે 37.75 ની સરેરાશથી 151 રન બનાવવામાં સફળ રહ્યો છે.
મુંબઇની સતત છઠ્ઠી જીત
કર્ણ શર્મા અને ટ્રેન્ટ બોલ્ટની શાનદાર બોલિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ IPL 2025માં સતત છઠ્ઠી જીત નોંધાવી અને સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ (RR) ને 100 રનના મોટા માર્જિનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઇ છે.
પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ રિયાન રિકેલ્ટન અને રોહિત શર્માની અડધી સદી, સૂર્યકુમાર યાદવ અને કેપ્ટન હાર્દિક પંડ્યાના અણનમ 48-48 રનની મદદથી 217 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ મુંબઇના બોલરોએ રાજસ્થાન રોયલ્સને 16.1 ઓવરમાં ફક્ત 117 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી, જેનાથી તેમને 2012 પછી જયપુરમાં પહેલી જીત મળી હતી.