IPL 2026 auction highlights: IPL 2026 ની મીની ઓક્શન પહેલા ક્રિકેટ જગતમાં ગરમાવો આવી ગયો છે. વાસ્તવિક હરાજી પહેલા ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને યોજેલા 'મોક ઓક્શન'માં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો છે, જેને ચેન્નાઈ સુપર કિંગ્સે ₹21 કરોડમાં ખરીદ્યો છે. બીજી તરફ, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ આક્રમક વલણ દાખવતા લિયામ લિવિંગસ્ટોન અને વેંકટેશ ઐયર પર કરોડો રૂપિયા ખર્ચ્યા છે. અબુ ધાબીમાં યોજાનારી અસલી હરાજી પહેલા આ આંકડા ખૂબ જ રસપ્રદ છે.
અબુ ધાબી પહેલા યુટ્યુબ પર જામ્યો હરાજીનો માહોલ
આગામી 16 ડિસેમ્બરના રોજ અબુ ધાબીમાં IPL 2026 ની મીની ઓક્શન યોજાવાની છે, જેમાં કુલ 359 ખેલાડીઓનું ભાવિ નક્કી થશે. તે પહેલા ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર એક 'મોક ઓક્શન'નું આયોજન કર્યું હતું. આ બનાવટી હરાજીમાં ફ્રેન્ચાઈઝીઓ કેવી રણનીતિ અપનાવી શકે છે તેનો અંદાજ જોવા મળ્યો હતો.
CSK એ ગ્રીન માટે તિજોરી ખોલી, KKR ને મળ્યો લિવિંગસ્ટોન
આ મોક ઓક્શનમાં સૌથી વધુ ચર્ચા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનની રહી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ ગ્રીન માટે ₹21 કરોડની જંગી બોલી લગાવીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જોકે, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ પણ તેને ખરીદવા માટે છેલ્લે સુધી જોર લગાવ્યું હતું. ગ્રીન બાદ સૌથી મોંઘો ખેલાડી ઇંગ્લેન્ડનો લિયામ લિવિંગસ્ટોન રહ્યો હતો. ગત સિઝનમાં RCB નો હિસ્સો રહેલા લિવિંગસ્ટોનને KKR એ ₹18.5 કરોડમાં ખરીદ્યો હતો.
KKR એ જૂના જોગી વેંકટેશ ઐયર પર ફરી ભરોસો મૂક્યો
આ હરાજીની સૌથી રસપ્રદ બાબત KKR નું આક્રમક વલણ હતું. કોલકાતાએ પોતાના જૂના સ્ટાર ખેલાડી વેંકટેશ ઐયરને પરત મેળવવા માટે ₹17.5 કરોડ ખર્ચ્યા હતા. ભલે આ કિંમત ગત વખત કરતા ઓછી હોય, પણ ઐયર પરનો ભરોસો યથાવત છે. આ ઉપરાંત, પૃથ્વી શો જેવા ભારતીય બેટ્સમેન માટે પણ KKR એ ₹5.25 કરોડ ચૂકવ્યા હતા.
સ્ટાર્સ રહ્યા 'અનસોલ્ડ' અને બોલરો પર લાગી બોલી
એક તરફ યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઈને સનરાઈઝર્સ હૈદરાબાદે ₹10.5 કરોડમાં અને શ્રીલંકાના ફાસ્ટ બોલર મથીશા પથિરાનાને દિલ્હી કેપિટલ્સે ₹7 કરોડમાં ખરીદ્યા હતા. તો બીજી તરફ, સ્ટીવ સ્મિથ અને જેક ફ્રેઝર મેકગર્ક જેવા મોટા નામો આ મોક ઓક્શનમાં કોઈ ખરીદદાર શોધી શક્યા ન હતા અને 'અનસોલ્ડ' રહ્યા હતા.
મોક ઓક્શનમાં કોણ કેટલામાં વેચાયું? જુઓ ટોપ લિસ્ટ
કેમેરોન ગ્રીન: ₹21 કરોડ (CSK)
લિયામ લિવિંગસ્ટોન: ₹18.5 કરોડ (KKR)
વેંકટેશ ઐયર: ₹17.5 કરોડ (KKR)
રવિ બિશ્નોઈ: ₹10.5 કરોડ (SRH)
ટિમ સીફર્ટ: ₹10.5 કરોડ (DC)
જેસન હોલ્ડર: ₹9 કરોડ (LSG)
મથીશા પથિરાના: ₹7 કરોડ (DC)
પૃથ્વી શો: ₹5.25 કરોડ (KKR)
ડેવિડ મિલર: ₹4.5 કરોડ (PBKS)
બેન ડકેટ: ₹4 કરોડ (KKR)
મુસ્તફિઝુર રહેમાન: ₹3.5 કરોડ (RCB)
જોની બેયરસ્ટો: ₹3.75 કરોડ (KKR)
રાહુલ ચહર: ₹3.25 કરોડ (RR)
રચિન રવિન્દ્ર: ₹2.25 કરોડ (PBKS)
(નોંધ: આ આંકડા રવિ અશ્વિન દ્વારા યોજાયેલ મોક ઓક્શનના છે, વાસ્તવિક હરાજી 16 ડિસેમ્બરે યોજાશે.)