RCB vs LSG highlights 2026: IPL 2026 ની 23મી રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને 5 વિકેટે હરાવીને શાનદાર જીત મેળવી છે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં લખનૌ સામે RCB ની આ પહેલી હોમ ગ્રાઉન્ડ જીત છે. આ દમદાર જીત સાથે જ રજત પાટીદારની કેપ્ટનશિપવાળી બેંગ્લોરની ટીમ પોઈન્ટ ટેબલમાં સીધી ટોચ પર (નંબર 1 ના સ્થાને) પહોંચી ગઈ છે. મેચમાં બોલિંગમાં રસિક સલામ અને ભુવનેશ્વર કુમારનો તરખાટ જોવા મળ્યો હતો, જ્યારે બેટિંગમાં વિરાટ કોહલીએ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવીને પોતાના જલવાથી મેચમાં દબદબો જમાવી દીધો હતો.

લખનૌનું કંગાળ બેટિંગ પ્રદર્શન, 146 રનમાં ઓલઆઉટ

મેચની શરૂઆતની વાત કરીએ તો, બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે બોલરોએ એકદમ સાચો સાબિત કરી બતાવ્યો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનૌની ટીમ 20 ઓવરમાં માત્ર 146 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. લખનૌ તરફથી ઓપનર મિશેલ માર્શે 32 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. આ ઉપરાંત મુકુલ ચૌધરીએ 39 અને આયુષ બદોનીએ 38 રનનું યોગદાન આપ્યું હતું. લખનૌની બેટિંગ એટલી નબળી રહી કે 11 માંથી 7 બેટ્સમેન તો બે આંકડાના (ડબલ ફિગર) સ્કોર સુધી પણ પહોંચી શક્યા ન હતા.

રસિક અને ભુવનેશ્વરની ઘાતક બોલિંગ

બેંગ્લોરના બોલરોએ શરૂઆતથી જ મેચ પર પકડ જમાવી લીધી હતી. ટીમ તરફથી રસિક સલામે સૌથી શાનદાર પ્રદર્શન કરતા 4 વિકેટ ઝડપીને લખનૌની કમર તોડી નાખી હતી. જ્યારે અનુભવી બોલર ભુવનેશ્વર કુમારે પણ 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત, કૃણાલ પંડ્યાને 2 અને જોશ હેઝલવુડને 1 વિકેટ મળી હતી.

કિંગ કોહલીની 49 રનની ઈનિંગ અને બેંગલુરુનો આસાન વિજય

147 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બેંગલુરુની ટીમે માત્ર 15.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ખૂબ જ આસાનીથી મેચ જીતી લીધી હતી. આ રન ચેઝમાં વિરાટ કોહલી સૌના આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. પોતાની IPL કરિયરમાં પહેલીવાર ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતરેલા કોહલીએ 34 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 49 રનની તોફાની ઈનિંગ રમી હતી. જોકે, તે માત્ર 1 રન માટે પોતાની અડધી સદી ચૂકી ગયો હતો, પરંતુ તેણે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવીને 'ઓરેન્જ કેપ' પોતાના નામે કરી લીધી છે. વિરાટે 5 મેચની 5 ઈનિંગ્સમાં કુલ 228 રન બનાવી લીધા છે.

કોહલી ઉપરાંત, બેંગલુરુ તરફથી કેપ્ટન રજત પાટીદારે 27 અને જીતેશ શર્માએ 23 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બીજી તરફ, લખનૌના બોલરો કઈ ખાસ કમાલ કરી શક્યા ન હતા, માત્ર પ્રિન્સ યાદવ સૌથી વધુ 2 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.