IPL 2026 ની શરૂઆત 28 માર્ચથી થશે. રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારા ભારત-ન્યૂઝીલેન્ડના T-20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલાં બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ આ ટૂર્નામેન્ટ 26 માર્ચથી શરૂ થવાની હતી, પરંતુ તમિલનાડુ, કેરળ, આસામ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં યોજાનારી ચૂંટણીઓને કારણે શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે, IPL દ્વારા હજુ સુધી ટૂર્નામેન્ટનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી.
ચેપોક અને ઈડન ગાર્ડન્સમાં મેચોનું આયોજન
વિધાનસભા ચૂંટણી વાળા રાજ્યોમાં ત્રણ એવા મુખ્ય સ્ટેડિયમ છે જેનો IPL વેન્યૂ તરીકે ઉપયોગ થતો આવ્યો છે. તમિલનાડુના ચેન્નાઈ સ્થિત એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ચેન્નાઈ સુપર કિંગ્સનું હોમ ગ્રાઉન્ડ છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલું ઈડન ગાર્ડન્સ કોલકાતા નાઈટ રાઈડર્સનું હોમ ગ્રાઉન્ડ છે, જ્યારે આસામના ગુવાહાટીમાં બનેલું બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ રાજસ્થાન રોયલ્સનું સેકન્ડ હોમ વેન્યૂ રહ્યું છે.
ચૂંટણીને કારણે બે તબક્કામાં આવી શકે છે શેડ્યૂલ
2008 માં IPL શરૂ થયા પછી જ્યારે પણ દેશમાં સામાન્ય ચૂંટણી (2009, 2014, 2019 અને 2024) અથવા કોઈ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ છે, ત્યારે ટૂર્નામેન્ટનું શેડ્યૂલ બે ભાગમાં બહાર પાડવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં શક્યતા છે કે આ વખતે પણ BCCI આવું જ કરશે.
બેંગલુરુમાં રમાશે ઓપનિંગ અને ફાઇનલ મેચ
કર્ણાટક ક્રિકેટ એસોસિએશન (KCA) ના સેક્રેટરી સંતોષ મેનને પુષ્ટિ કરી છે કે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જ ઓપનિંગ અને ફાઇનલ મેચ રમાશે. હોમ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) આ વખતે પોતાની 5 હોમ મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમશે. RCB ની બાકીની બે હોમ મેચ છત્તીસગઢના રાયપુર સ્થિત શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ગત સીઝનની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ 2025 ના ફાઇનલમાં અમદાવાદમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું હતું.
IPL માં પરંપરા રહી છે કે ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ, ક્વોલિફાયર-2 અને ફાઇનલ મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ પર રાખવામાં આવે. ગયા વર્ષની ઓપનિંગ મેચ 2024 ની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સના હોમ ગ્રાઉન્ડ પર થઈ હતી. તે જ રીતે આ વખતે મેચો ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.
ઓક્શનમાં 26 માર્ચની તારીખ અપાઈ હતી
BCCI એ ગયા વર્ષે ડિસેમ્બરમાં અબુ ધાબીમાં યોજાયેલી IPL હરાજી દરમિયાન ફ્રેન્ચાઈઝીઓને જણાવ્યું હતું કે સીઝન 26 માર્ચથી 31 મે સુધી ચાલશે. તે સમયે 26 માર્ચથી શરૂઆત નક્કી માનવામાં આવતી હતી. જોકે, જો ઓપનિંગ ડેટ આગળ વધે છે તો ફાઇનલની તારીખ બદલાશે નહીં, કારણ કે 31 મે ના રોજ રવિવાર છે અને ઘણીવાર મોટી સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટમાં ટાઇટલ મુકાબલા રવિવારે જ હોય છે.