Hardik Pandya IPL 2027 trade: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 ની આગામી સીઝન પહેલા જ ખેલાડીઓના ટ્રેડિંગને લઈને બજાર ગરમ થઈ ગયું છે. મુંબઈ ઇન્ડિયન્સના (MI) વર્તમાન કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફ્રેન્ચાઇઝી છોડી શકે તેવી અટકળોએ ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જગાવી છે. છેલ્લી સીઝન (IPL 2026) બાદથી જ હાર્દિકના મુંબઈ છોડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. હવે અહેવાલો છે કે, ટ્રેડિંગ વિન્ડો દ્વારા હાર્દિકને પોતાની ટીમમાં સામેલ કરવા માટે 7 જેટલી ફ્રેન્ચાઇઝીઓ મેદાનમાં ઉતરી છે, જ્યારે બે ટીમોએ તેમાં કોઈ જ રસ દાખવ્યો નથી.
CSK અને KKR વચ્ચે કાંટાની ટક્કર
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, ટ્રાન્સફર વિન્ડોમાં હાર્દિકને ખરીદવા માટે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), રાજસ્થાન રોયલ્સ (RR), પંજાબ કિંગ્સ (PBKS), ગુજરાત ટાઇટન્સ (GT), દિલ્હી કેપિટલ્સ (DC) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સ્પર્ધા કરી રહી છે. આ તમામમાં CSK અને KKR વચ્ચે સૌથી વધુ કાંટાની ટક્કર જોવા મળી રહી છે અને આ બંને ટીમો રેસમાં આગળ હોવાનું કહેવાય છે. બીજી તરફ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ હાર્દિકને સાઈન કરવામાં કોઈ રસ દાખવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, IPL 2027 પહેલા જ વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પણ એક મોટા ટ્રેડ મારફતે તેની જૂની ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સમાં પાછો ફર્યો છે.
મુંબઈમાં કેપ્ટન તરીકે નિરાશાજનક પ્રદર્શન
હાર્દિક પંડ્યા છેલ્લા ત્રણ વર્ષથી મુંબઈ ઇન્ડિયન્સનું નેતૃત્વ કરી રહ્યો છે. 2024 માં જ્યારે તેણે 5 વખત ટ્રોફી જીતાડનાર કેપ્ટન રોહિત શર્માનું સ્થાન લીધું, ત્યારે ફ્રેન્ચાઇઝીને તેનાથી મોટી અપેક્ષાઓ હતી. જોકે, તેની કેપ્ટનશીપ હેઠળ ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું. આ ત્રણ સીઝનમાં મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં અનુક્રમે 10મા, 4થા અને 9મા સ્થાને રહી હતી. સતત ખરાબ પ્રદર્શનના કારણે જ હવે તેના ટ્રેડ થવાની શક્યતાઓ પ્રબળ બની છે.
આ પણ વાંચોઃ મુંબઈમાં ઘરનું ઘર છોડી આ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા જશે હાર્દિક પંડ્યા? ચોંકાવનારો ખુલાસો થયો!
હાર્દિક પંડ્યાની IPL સફર અને આંકડા
હાર્દિકે પોતાની IPL કારકિર્દીની શરૂઆત 2015 માં મુંબઈ ઇન્ડિયન્સ સાથે જ કરી હતી અને 2021 સુધી તે આ ફ્રેન્ચાઇઝીનો મુખ્ય આધાર રહ્યો હતો. ત્યારબાદ 2022 માં તે નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયો અને પોતાની કપ્તાનીમાં ટીમને ડેબ્યૂ સીઝનમાં જ ચેમ્પિયન બનાવી. જોકે, માત્ર બે સીઝન બાદ 2024 માં તે ફરીથી મુંબઈમાં કેપ્ટન તરીકે પરત ફર્યો હતો.
IPL કારકિર્દી પર એક નજર: હાર્દિકે અત્યાર સુધીમાં 162 IPL મેચ રમી છે. તેની 150 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 10 શાનદાર અડધી સદીની મદદથી 2955 રન બનાવ્યા છે. જ્યારે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરતા 116 ઇનિંગ્સમાં 82 વિકેટ ઝડપી છે.
હાલમાં હાર્દિકના ટ્રેડ અંગે ફ્રેન્ચાઇઝી કે ખેલાડી તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તે મુંબઈનો સાથ છોડી કઈ નવી ટીમનો હિસ્સો બનશે, તે જોવું ક્રિકેટ ચાહકો માટે અત્યંત રસપ્રદ રહેશે.
આ પણ વાંચોઃ વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો
