IPL 2021: કોરોના વાયરસને કારણે પાછળું વર્ષ રમત જગત માટે ખૂબ જ પડકારજનક રહ્યું. કોવિડ 19ને કારણે જ આઈપીએલની 13મી સીઝનનું આયોજન સમય કરતાં 6 મહિના વિલંબથી થયું. આ વર્ષે પણ મહામારીને કારણે આઈપીએલને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આઈપીએલની બ્રાન્ડ વેલ્યૂ વિતેલા 6 વર્ષમાં પ્રથમ વખત ઘટી છે. ડફ એન્ડ ફેલપ્સના અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે આઈપીએલની ઇકોસિસ્ટમ વેલ્યૂમાં 2020માં 3.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. 


એક અભ્યાસ અનુસાર વિતેલા વર્ષે આઈપીએલની ઇકોસિસ્ટમ વેલ્યૂ 2019માં 47500 કરોડ રૂપિયાની તુલનામાં આ વખતે 45,800 કરોડ રૂપિયા રહી છે, જેમાં અંદાજે 3.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. નુકસાનનો સામનો કરવામાં આઈપીએલની તમામ ટીમ સામેલ છે. એવું કહેવાય છે કે કોરોનાને કારણે ટીમોને મળનારી સ્પોન્સરશિપ પણ ઘટી છે. 


ટીમોની વેલ્યૂ પણ ઘટી


નુકસાન થવાં છતાં મુંબઈ ઇન્ડિયન્સ સતત પાંચમાં વર્ષે ફ્રેન્ચાઈઝી બ્રાન્ડ રેન્કિંગમાં ટોચના સ્થાન પર રહી. જોકે 2019ની તુલનામાં 2020માં મુંબઈની બ્રાન્ડ વેલ્યૂ 5.9 ટકા ઘટી છે. મુંબઈની બ્રાન્ડ વેલ્યૂ 2019માં 809 કરોડ રૂપિયા હતી જે 2020માં ઘટીને 761 કરોડ રૂપિયા રહી છે. 


ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની બ્રાન્ડ વેલ્યૂમાં ક્રમશઃ 16.5 ટકા અને 13.7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ચેન્નઈની બ્રાન્ડ વેલ્યૂ 2019માં 732 કરોડ રૂપિયા હતી જે 2020માં ઘટીને 611 કરોડ રૂપિયા રહી છે. કોલકાતાની બ્રાન્ડ વેલ્યૂ 2019માં 629 કરોડ રૂપિયા હતી જે 2020માં ઘટીને 543 કરોડ રૂપિયા રહી છે. ફ્રેન્ચાઈઝી બ્રાન્ડ વેલ્યૂમાં ચેન્નઈ બીજા અને કોલકાતા ત્રીજા સ્થાન પર છે. 


બીજી બાજુ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની બ્રાન્ડ વેલ્યૂ 9.9 ટકા, સનરાઈઝર્સ હૈદ્રાબાદની 8.5 ટકા, દિલ્હી કેપિટલ્સની 1.0 ટકા, પંજાબ કિંગ્સની 11.3 ટકા અને રાજસ્થાન રોયલ્સની બ્રાન્ડ વેલ્યૂ 2020માં 8.1 ટકા ઘટી છે. 


જણાવીએ કે, આઈપીએલની બ્રાન્ડ વેલ્યૂ ઘટવાનું એક કારણ વિતેલી સાઝન અને આ સીઝનના આયોજનમાં મેદાનમાં દર્શકો ન હોવાનું પણ છે.