નવી દિલ્હીઃ આઇપીએલમાં મંગળવારે મુંબઇ અને દિલ્હી વચ્ચે ખિતાબી ટક્કર થવાની છે. આઇપીએલમાં પાંચમી વાર ચેમ્પિયન બનાવા માટે મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને દિલ્હીના બેટ્સમેનોને કન્ટ્રૉલમાં રાખવા ખુબ જરૂરી છે. આ માટે રોહિત શર્માએ એક ખાસ પ્લાન ગોઠવ્યો છે, રોહિત શર્માનુ કહેવુ છે કે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમાનારી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ઓફ સ્પિનર જયંત યાદવને મોકો આપી શકે છે.


જયંત યાદવને મોકો આપવાનુ સૌથી મોટુ કારણ દિલ્હી પાસે શિખર ધવન, શિમરૉન હેટમેયર, ઋષભ પંત અને અક્ષર પટેલ જેવા ડાબોડી બેટ્સમેનો હોવાનુ છે. આ તમામ ખેલાડીઓ આ સિઝનમાં સારી બેટિંગ કરવામાં સફળ રહ્યાં છે. આમાને રોકવા માટે મુંબઇનો ઓફ સ્પિનર જયંત યાદવ પ્રભાવશાળી સાબિત થઇ શકે છે.

રોહિત શર્માએ કહ્યું- દિલ્હીની પાસે જેટલા લેફ્ટી છે, તેમને ધ્યાનમાં રાખતા જયંત અસરકારક સાબિત થઇ શકે છે. દિલ્હી વિરુદ્ધ તે એક મેચમાં રમ્યો હતો, અને સારી બૉલિંગ કરી હતી, તે દિલ્હીની ટીમ માટે રમ્યો છે અને તેને સારી રીતે સમજે છે. અમારા માટે તે સારો ઓપ્શન બની શકે છે.

દિલ્હી વિરુદ્ધ જોકે જયંતને વિકેટ ન હતી મળી શકી. જયંત યાદવને કયા ખેલાડીના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવો તે હજુ નક્કી નથી થયુ.