IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનનું આયોજન ચાલુ છે. આ સીઝનમાં અત્યાર સુધી 6 મેચ રમાઈ ચૂકી છે. ચેન્નાઈ સુપર કિંગ્સને ખરાબ રીતે હરાવીને રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. CSKની આજે બીજી મેચ પંજાબ કિંગ્સ સાથે છે. પંજાબે પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે, IPL દુનિયામાં સૌથી વધુ જોવામાં આવતી સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ્સમાંની એક છે. માર્ચ-મે મહિનાના સમયગાળામાં ક્રિકેટનો રોમાંચ એક અલગ જ સ્તર પર હોય છે, જ્યાં 10 આઈપીએલ ટીમો એક ટ્રોફી જીતવાના ઈરાદા સાથે રમી રહી હોય છે. વર્ષ 2021 સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ટીમોની સંખ્યા 8 હતી, પરંતુ હવે દસ છે. અહીં આપણે IPLની એક મેચમાં થતા ખર્ચ વિશે વાત કરી રહ્યા છીએ, જાણો ક્યાં-ક્યાં પૈસા વપરાય છે અને કુલ કેટલો ખર્ચ આવે છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન 2008થી થઈ રહ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દર વર્ષે આ લીગનું આયોજન કરે છે, જે હવે વિશ્વની સૌથી મોટી T20 લીગ છે. બોર્ડ પણ આ લીગમાંથી જંગી કમાણી કરે છે. કમાણીના મુખ્ય સ્ત્રોત સ્પોન્સરશિપ, મીડિયા રાઇટ્સ અને ટિકિટનું વેચાણ છે. કમાણી તો કરોડોમાં થાય છે, પરંતુ એક IPL મેચમાં કેટલો ખર્ચ થાય છે? ચાલો જાણીએ.
એક IPL મેચમાં કેટલો ખર્ચ થાય છે?
- ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનમાં 10 ટીમો રમી રહી છે, જેમની વચ્ચે લીગ સ્ટેજની મેચો 13 વેન્યુ પર રમાશે. હજુ પ્લેઓફનું શેડ્યૂલ જાહેર થયું નથી. બોર્ડ સૌથી પહેલા સ્ટેડિયમ પસંદ કરે છે અને તેને બુક કરે છે, જેની કિંમત 50 લાખથી 1 કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. BCCI આ રકમ સ્ટેડિયમ મેનેજમેન્ટને આપે છે. જોકે, આ કિંમત વેન્યુ (સ્થળ) મુજબ અલગ-અલલ હોય છે.
- ત્યારબાદ ખેલાડીઓના પગારની વાત આવે છે. ઇમ્પેક્ટ પ્લેયર સહિત તમામ 12 ખેલાડીઓને મેચ દીઠ 7.5 લાખ રૂપિયા મળે છે. એક ટીમ ખેલાડીઓના પગાર પર મેચ દીઠ 90 લાખ રૂપિયા ખર્ચ કરે છે. આ ઉપરાંત મેચ રેફરી, અમ્પાયર અને સપોર્ટ સ્ટાફનો પગાર અલગથી હોય છે.
- મુસાફરી (ટ્રાવેલિંગ) માં આશરે 7 લાખ રૂપિયાનો ખર્ચ થઈ જાય છે. જો કુલ ખર્ચની વાત કરવામાં આવે તો, બ્રોડકાસ્ટિંગ રાઇટ્સને બાદ કરતાં એક મેચમાં અંદાજે 15 કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે.
