Ishan Kishan Fastest Century: તિરુવનંતપુરમ (Thiruvananthapuram) ના મેદાન પર ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન (Ishan Kishan) એ બેટિંગનું રૌદ્ર સ્વરૂપ દેખાડતા ઇતિહાસના પાનામાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી દીધું છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી T20 ઇન્ટરનેશનલ મેચમાં ઈશાને માત્ર 42 બોલમાં સદી ફટકારીને મેદાનની ચારેતરફ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ વરસાવ્યો હતો.
તેની આ ઇનિંગની મદદથી તેણે એક એવો વર્લ્ડ રેકોર્ડ (World Record) બનાવ્યો છે જે આજ સુધી દુનિયાનો કોઈ બેટ્સમેન કરી શક્યો નથી. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટના ઇતિહાસમાં ન્યુઝીલેન્ડ (New Zealand) જેવી મજબૂત બોલિંગ લાઇન-અપ ધરાવતી ટીમ સામે સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ હવે ઈશાન કિશનના નામે થઈ ગયો છે.
આ પહેલા આ રેકોર્ડ સંયુક્ત રીતે પાકિસ્તાનના હસન નવાઝ (વર્ષ 2025) અને શ્રીલંકાના કુસલ પરેરાના નામે હતો, જેમણે 44 બોલમાં સદી ફટકારી હતી. જોકે, ઈશાન કિશને માત્ર 42 બોલમાં સદી પૂરી કરીને આ બંને દિગ્ગજોને પાછળ છોડી દીધા છે અને કિવીઓ સામે સૌથી તેજ સદી મારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
જોકે, ભારતીય ખેલાડીઓની યાદીમાં ઈશાન કિશન પાંચમા ક્રમે આવે છે. ભારત તરફથી સૌથી ઝડપી T20 સદીનો રેકોર્ડ કેપ્ટન રોહિત શર્મા (35 બોલ) ના નામે છે. ત્યારબાદ આ યાદીમાં અનુક્રમે અભિષેક શર્મા (37 બોલ), સંજુ સેમસન (40 બોલ) અને તિલક વર્મા (41 બોલ) નું સ્થાન આવે છે.
ઈશાન કિશને પોતાની આ તોફાની ઇનિંગમાં કુલ 10 ગગનચુંબી છગ્ગા (Sixes) અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તેણે એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારવાની બાબતમાં રોહિત શર્મા અને સંજુ સેમસનની બરાબરી કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, ભારત માટે એક ઇનિંગમાં હાઈએસ્ટ સિક્સરનો રેકોર્ડ અભિષેક શર્મા (13 છગ્ગા) ના નામે છે.
ઈશાન કિશનની આતશબાજીને કારણે ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 271 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. T20 ઇન્ટરનેશનલ મેચોમાં ટીમ ઇન્ડિયા (Team India) નો આ ત્રીજો સૌથી મોટો સ્કોર છે. તિરુવનંતપુરમ સ્ટેડિયમમાં હાજર દર્શકોએ ઈશાનની આ વિસ્ફોટક બેટિંગની ભરપૂર મજા માણી હતી.
આ ઇનિંગથી ઈશાને ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ટૂંકા ફોર્મેટમાં કેટલો ખતરનાક બેટ્સમેન છે. કિવી બોલરો પાસે તેના આક્રમણનો કોઈ જવાબ ન હતો. આ મેચ અને ઈશાનની સદી લાંબા સમય સુધી ક્રિકેટપ્રેમીઓના માનસપટ પર છવાયેલી રહેશે.