Jasprit Bumrah IPL 2025 update: IPL 2025 ની શરૂઆત પહેલાં જ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (MI) માટે માઠા સમાચાર આવ્યા છે. ટીમના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હજુ પણ તેની પીઠની ઈજામાંથી સંપૂર્ણપણે સાજો થયો નથી, જેના કારણે તે આગામી સિઝનની શરૂઆતની કેટલીક મેચોમાં ટીમનો ભાગ બની શકશે નહીં. આ સમાચાર મુંબઈ ઇન્ડિયન્સ અને તેના ચાહકો માટે એક મોટો આંચકો છે.


બુમરાહને આ ઈજા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25ની અંતિમ મેચમાં થઈ હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે તે મેચમાં તે બોલિંગ પણ કરી શક્યો નહોતો. આ જ કારણસર તે ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી અને આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી પણ બહાર રહ્યો હતો. હવે, IPL 2025ની શરૂઆતની મેચોમાં તેની ગેરહાજરીના સમાચાર સામે આવ્યા છે.


ESPNCricinfoના એક અહેવાલ અનુસાર, એવી શક્યતા છે કે જસપ્રીત બુમરાહ એપ્રિલ મહિનાની શરૂઆતમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સાથે જોડાઈ શકે છે. જો આ પ્રમાણે થાય તો તે માર્ચ મહિનામાં રમાનારી MIની ત્રણ મેચોમાં ભાગ લઈ શકશે નહીં. હાલમાં એ સ્પષ્ટ નથી કે બુમરાહ કેટલી મેચો ચૂકી જશે અને તે મેદાનમાં ક્યારે પરત ફરશે.


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સ્ટાર બોલરની ફિટનેસ પર સતત નજર રાખી રહ્યું છે, કારણ કે IPL બાદ ટીમ ઇન્ડિયાને જૂનમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડવાનો છે, જ્યાં તે ટેસ્ટ શ્રેણી રમશે. આ પરિસ્થિતિમાં, BCCIનું ટીમ મેનેજમેન્ટ અને મેડિકલ ટીમ બુમરાહને લઈને કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાના મૂડમાં નથી. મુંબઈ ઇન્ડિયન્સ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ની મેડિકલ ટીમની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. NCA દ્વારા બુમરાહને ફિટ જાહેર કર્યા બાદ જ તેના માટે મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાવાનો માર્ગ મોકળો થશે.


ઉલ્લેખનીય છે કે IPL 2025માં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 23 માર્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે પોતાની પહેલી મેચ રમશે. ત્યારબાદ 29 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સાથે થશે. મુંબઈ ઇન્ડિયન્સ પોતાની ત્રીજી મેચ 31 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે પોતાના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમશે.


જસપ્રીત બુમરાહને 4 જાન્યુઆરીએ સિડનીમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસે પીઠના નીચેના ભાગમાં ઈજા થઈ હતી, જેમાંથી તે હજુ સાજો થઈ રહ્યો છે. માર્ચ 2023માં સર્જરી કરાવ્યા બાદ આ પહેલીવાર છે જ્યારે બુમરાહ પીઠની ઈજાના કારણે મેદાનથી દૂર રહેવાનો વારો આવ્યો છે.