ક્રાઈસ્ટચર્ચઃ ન્યુઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન રોસ ટેલરે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ પછી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. પોતાની છેલ્લી ટેસ્ટ રમવા ઉતરેલા રોસ ટેલરને બાંગ્લાદેશના ખેલાડીઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. દર્શકોએ પણ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. પોતાની છેલ્લી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રગીત વગાડાયું ત્યારે રોસ ટેલર રડી પડ્યો હતો. ટેલર રાષ્ટ્રગીત પૂરું થયું પછી આંખો લૂછતો લૂછતો મેદાન પર ગયો હતો.


બાંગ્લાદેશ સામે ક્રાઈસ્ટચર્ચમાં કારકિર્દીની આખરી ટેસ્ટ રમી રહેલા રોસ ટેલરે મેચની આખરી વિકેટ ઝડપતાં ન્યુઝીલેન્ડને ઈનિંગથી જીત અપાવી હતી અને શ્રેણી 1-1થી ડ્રો કરી હતી.  ટેલરે કહ્યું હતુ કે, હું વિજય સાથે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવા ઈચ્છતો હતો અને મારી ઈચ્છા મારા સાથીઓએ પૂરી કરી છે. ટેલરે મેચ પછી પરિવાર સાથે મેદાન પર ઉભા રહીને તસવીરો ખેંચાવી હતી. રોસ ટેલરનો પરિવાર તેની છેલ્લી ટેસ્ટ મેચમાં હાજર રહ્યો હતો.


ટેલરે 15 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 112 ટેસ્ટ રમી છે. ટેલરે કુલ 7683 રન નોંધાવ્યા હતા. ટેલરે 19 સદી અને 35 અડધી સદી ફટકારી હતી. ટેલર આઈપીએલમાં પણ બેંગલુરુ સહિતની ટીમો માટે રમી ચૂક્યો છે. આઈપીએલમાં ટેલરે જોરદાર ધમાલ મચાવી હતી.


રોસ ટેલરની નિવૃત્તિ વેળાએ તેના પરિવારજનો સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા. ટેસ્ટ પુરી થયા બાદ તેના પરિવારજનો ટેલરની સાથે જોડાયા હતા. નિવૃત્તિ લેતાં પહેલાં ટેલર ભાવુક બનીને રડી પડયો હતો.


ન્યુઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેને કહ્યું કે, બાંગ્લાદેશે આ શ્રેણીમાં અમારા પર દબાણ સર્જ્યું હતુ. અલબત્ત, અમારા ખેલાડીઓએ જોરદાર જવાબ આપતાં આખરે ટેસ્ટ જીતી લીધી હતી અને શ્રેણીને સરભર કરી હતી.


ટેલરે કારકિર્દીની ત્રીજી વિકેટની સાથે કારકિર્દીનો અંત આણ્યો હતો. ટેલરે 2010માં  ભારત પ્રવાસમાં હરભજન અને શ્રીસંતની વિકેટ ઝડપી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે માત્ર 16 જ ઓવર નાંખી હતી. તેણે આ અગાઉની છેલ્લી ઓવર આઠ વર્ષ પહેલા નાંખી હતી.