KKR vs GT Pitch Report: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો છે. પ્લેઓફની દૃષ્ટિએ આ મેચ મહત્વની રહેશે, જેને જીતીને GT પ્લેઓફની ટિકિટ પાકી કરી લેશે. KKR ને રેસમાં ટકી રહેવા માટે જીતવું જરૂરી છે. આ મેચ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. જાણો આજની મેચમાં પિચનું વર્તન કેવું રહેશે.

Continues below advertisement

 

ગુજરાત ટાઇટન્સની આ 13મી મેચ છે, ટીમે અત્યાર સુધી 8 મેચ જીતી છે અને 4 હારી છે. 16 પોઈન્ટ અને +0.551 ની નેટ રન રેટ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જો આજે જીતશે તો GT પ્રથમ સ્થાને આવી જશે. જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સે 11 માંથી 4 જીતી છે અને 6 હારી છે. એક પોઈન્ટ તેમને મેચ રદ થવાને કારણે મળ્યો હતો. KKR હવે બાકીની ત્રણેય મેચ જીતીને પણ માત્ર 15 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે, એવામાં જો આજે હારશે તો કોલકાતાની પ્લેઓફમાં જવાની તક ખતમ થઈ જશે.

Continues below advertisement

આ પણ વાંચો... કોણ હોવો જોઈએ ટીમ ઈન્ડિયાનો આગામી T20 કેપ્ટન? રવિ શાસ્ત્રીએ આ ખેલાડીને ગણાવ્યો મજબૂત દાવેદાર

ઈડન ગાર્ડન્સનો IPL રેકોર્ડ

કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આઈપીએલની કુલ 104 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ 43 વાર અને લક્ષ્યનો પીછો કરનારી ટીમ 59 વાર જીતી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે અહીં ઝાકળ (Dew) એક મોટું ફેક્ટર સાબિત થાય છે અને ચેઝ કરનારી ટીમને થોડો ફાયદો મળે છે. અહીં સૌથી મોટો સ્કોર 262 નો છે, જે 2024 માં પંજાબ કિંગ્સે કોલકાતા સામે બનાવ્યો હતો. સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ 112 રનની છે, જે 2022 માં રજત પાટીદારે રમી હતી. પ્રથમ ઇનિંગમાં અહીં એવરેજ સ્કોર 164 રન છે.

KKR vs GT મેચનો પિચ રિપોર્ટ

આજની પિચ બેટ્સમેનોને અનુકૂળ રહી શકે છે. સપાટ પિચ છે, જ્યાં બોલરો માટે કામ આસાન નહીં હોય. અહીં વરસાદને કારણે પિચનું વર્તન બદલાઈ પણ શકે છે, બોલનો ઉછાળ બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. આજે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે. જો પ્રથમ ઇનિંગમાં 220-230 રન બને તો ચેઝ કરનારી ટીમ માટે મુશ્કેલી પણ પડી શકે છે.

હેડ ટુ હેડમાં ગુજરાતનો દબદબો

બંને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 6 મુકાબલા ખેલાયા છે, જેમાં ગુજરાત ટાઇટન્સે 4 મેચ જીતી છે, જ્યારે KKR ને માત્ર 1 જીત મળી છે. એક મુકાબલો વરસાદને કારણે રદ થયો હતો. રસપ્રદ વાત એ છે કે KKR એ ગુજરાત સામે પોતાની છેલ્લી જીત એપ્રિલ 2023 માં મેળવી હતી. ત્યારથી ગુજરાતનું પલ્લું સતત ભારે રહ્યું છે. હવે જોવું રસપ્રદ રહેશે કે ઈડન ગાર્ડન્સમાં KKR વાપસી કરે છે કે પછી ગુજરાત પોતાની જીતની લય જાળવી રાખીને પ્લેઓફની ટિકિટ પાકી કરે છે.

ક્યાં જોશો લાઈવ

કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર થશે. લાઈવ સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર (JioHotstar) એપ અને વેબસાઈટ પર થશે.