IPL 2026: દિલ્હી કેપિટલ્સના ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ IPL 2026 માં સતત રન બનાવી રહ્યા છે. આ સીઝનમાં રાહુલ અત્યાર સુધી 9 મેચોમાં 54.12 ની સરેરાશ અને 185.84 ના સ્ટ્રાઈક રેટથી 433 રન બનાવી ચૂક્યો છે. શુક્રવારે રાજસ્થાન રોયલ્સ સામે કેએલ રાહુલે 40 બોલમાં 75 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેમણે 6 ચોગ્ગા અને 5 છગ્ગા લગાવ્યા હતા. આ સાથે જ રાહુલે રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાછળ છોડીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
સૌથી વધુ છગ્ગા લગાવવામાં નંબર-1 બન્યો કેએલ રાહુલ
કેએલ રાહુલ હવે IPL ના ઈતિહાસમાં ઓપનર તરીકે સૌથી વધુ છગ્ગા લગાવનારા ભારતીય બની ગયો છે. કેએલ રાહુલના IPL માં ઓપનર તરીકે 201 સિક્સ થઈ ગઈ છે. તેમના પહેલા કોઈ પણ ભારતીય 200 છગ્ગા લગાવી શક્યું નથી. આ રેકોર્ડ લિસ્ટમાં કેએલ રાહુલે વિરાટ કોહલી અને રોહિત શર્માને પાછળ છોડી દીધા છે. રાહુલના 201 છગ્ગા થયા છે, જ્યારે વિરાટ કોહલીએ 192 સિક્સ અને રોહિત શર્માએ 148 છગ્ગા લગાવ્યા છે. શિખર ધવન 143 છગ્ગા લગાવીને ભારતીય ઓપનરોમાં ચોથા નંબરે છે.
આ રેકોર્ડ લિસ્ટમાં ત્રીજા નંબરે કેએલ રાહુલ
બીજી તરફ IPL માં ઓપનર તરીકે સૌથી વધુ છગ્ગા લગાવવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલના નામે છે. ગેલના નામે ઓપનર તરીકે 326 છગ્ગા છે. આ રેકોર્ડ લિસ્ટમાં કેએલ રાહુલ ત્રીજા નંબરે આવી ગયા છે. રાહુલના 201 સિક્સ છે, જ્યારે બીજા નંબરે રહેલા ડેવિડ વોર્નરના 210 છગ્ગા છે. IPL 2026 માં જ રાહુલ ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરને પાછળ છોડી શકે છે.
કેએલ રાહુલે IPL 2026 ની 9 મેચોની 9 ઈનિંગ્સમાં 1 સદી અને 3 અડધી સદી ફટકારીને 433 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમના બેટથી 24 છગ્ગા અને 42 ચોગ્ગા નીકળ્યા છે. રાહુલે પંજાબ કિંગ્સ સામે 67 બોલમાં 9 છગ્ગા અને 16 ચોગ્ગાની મદદથી અણનમ 152 રનની ઈનિંગ રમી હતી. આ IPL માં કોઈપણ ભારતીય બેટ્સમેનનો સર્વોચ્ચ સ્કોર છે, જ્યારે IPL નો ત્રીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે.
દિલ્હીએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું હતું
દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સ સામે 226 રનના લક્ષ્યનો પીછો કરીને ઇતિહાસ રચ્યો હતો. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હીનો આ સૌથી સફળ રન ચેઝ છે. કેએલ રાહુલ અને પથુમ નિસંકાની અડધી સદીએ દિલ્હીને આ સિદ્ધિ હાંસલ કરવામાં મદદ કરી હતી. આઈપીએલ 2026માં પહેલી વાર રમી રહેલા મિશેલ સ્ટાર્કે ત્રણ વિકેટ લીધી. આશુતોષ શર્મા અને નીતિશ રાણાએ પણ ટૂંકી ઇનિંગ્સ સાથે દિલ્હીની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
