World Cup 2023: વનડે વર્લ્ડ કપ 2023ની છેલ્લી લીગ મેચ ભારત અને નેધરલેન્ડ વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ, શ્રેયસ અય્યરે અણનમ 128* અને કેએલ રાહુલે 62 બોલમાં 102 રન બનાવ્યા હતા. આમ ભારતે નેધરલેન્ડને જીતવા માટે 411 રનનો લક્ષ્યાંક આપ્યો છે.


 






તો બીજી તરફ કેએલ રાહુલે આજે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રાહુલ ODI વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ રોહિત શર્માના નામે હતો. રાહુલે વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારી છે. રોહિતે આ જ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ સામે 63 બોલમાં સદી ફટકારી હતી. વીરેન્દ્ર સેહવાગે વર્ષ 2007માં માત્ર 81 બોલમાં સદી ફટકારી હતી. જ્યારે વિરાટ કોહલીએ 2011 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ સામે 83 બોલમાં સદી ફટ કારી હતી.


વર્લ્ડ કપ 2023માં રાહુલનું પ્રદર્શન કેવું રહ્યું?
આ વર્લ્ડ કપમાં રાહુલે 9 મેચની 8 ઇનિંગ્સમાં 69.40ની એવરેજથી 347 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે 93.53ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. તેણે પોતાના બેટથી 1 સદી અને 1 અડધી સદી ફટકારી છે. તે 3 મેચમાં અણનમ પણ રહ્યો છે. આ પહેલા વર્લ્ડ કપની પ્રથમ મેચમાં રાહુલે ઓસ્ટ્રેલિયાની ટીમ સામે 97 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને ભારતીય ટીમને શાનદાર જીત અપાવી હતી.


રાહુલની ODI કારકિર્દીની 7મી સદી


રાહુલની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની આ 7મી સદી છે. તેણે ભારતીય ટીમ માટે અત્યાર સુધીમાં 70 મેચ રમી છે અને 66 ઇનિંગ્સમાં 49.77ની એવરેજથી 2,265 રન બનાવ્યા છે. તે 13 વખત અણનમ રહ્યો છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 112 રન રહ્યો છે. રાહુલે ODI ક્રિકેટમાં તેની પ્રથમ મેચ વર્ષ 2016માં ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ સામે રમી હતી. તે મેચમાં પણ રાહુલે શાનદાર સદી ફટકારી હતી.


ભારતે આપ્યો 411 રનનો ટાર્ગેટ


કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલે ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 71 બોલમાં 100 રનની શાનદાર ભાગીદારી કરી હતી. આ ભાગીદારી 12મી ઓવરમાં વાન મીકેરેનના હાથે કેચ આઉટ થયેલા શુભમન ગિલની વિકેટથી તૂટી ગઈ હતી. ગિલ 32 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 51 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી 18મી ઓવરમાં કેપ્ટન રોહિત શર્મા બાસ ડી લીડેનો શિકાર બન્યો હતો. રોહિત 54 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 61 રન બનાવીને આઉટ થયો હતો.


ત્યારબાદ ત્રીજી વિકેટ માટે શ્રેયસ અય્યર અને વિરાટ કોહલીએ 71 રન (66 બોલ)ની ભાગીદારી કરી, જે 29મી ઓવરમાં કોહલીની વિકેટ સાથે પૂરી થઈ. કોહલી 56 બોલમાં 51 રન ફટકારીને વાન ડેર મર્વેનો શિકાર બન્યો હતો. આ પછી નંબર ચાર પર આવેલા શ્રેયસ અય્યર અને પાંચમાં નંબરે આવેલા કેએલ રાહુલે એવી અણનમ ભાગીદારી કરી કે જેનો નેધરલેન્ડના બોલરો પાસે કોઈ જવાબ નહોતો. બંને સદીવીરોએ ચોથી વિકેટ માટે 208 (128 બોલ) રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન શ્રેયસ અય્યર 94 બોલમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 128 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે કેએલ રાહુલે 64 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 102 રન બનાવી આઉટ થયો હતો.