ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલને ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં થોડા સમય માટે મેદાન છોડવું પડ્યું હતું, જે દરમિયાન કેએલ રાહુલે કેપ્ટનશીપ સંભાળી હતી. ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે, જેમાં બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે આ પ્રવાસમાં ઘણું પ્રભાવિત કર્યું છે. લીડ્સમાં ટીમ હારી ગઈ હોવા છતાં ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન પ્રશંસનીય હતું. બીજી ટેસ્ટમાં વાપસી કરતા ભારતે 336 રનથી ઐતિહાસિક જીત નોંધાવી હતી. આ એજબેસ્ટન ખાતે ભારતનો પ્રથમ ટેસ્ટ વિજય હતો અને રનના આધારે સૌથી મોટો વિજય હતો. ભારત ત્રીજી ટેસ્ટમાં પ્રથમ બોલિંગ કરી રહ્યું છે. પહેલા જ દિવસે કેએલ રાહુલને થોડા સમય માટે કેપ્ટનશીપ કરવી પડી, જ્યારે ગિલને મેદાન છોડવું પડ્યું. પરંતુ આવું કેમ થયું?

કેએલ રાહુલે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કેમ કરી?

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે શુભમન ગિલને થોડા સમય માટે મેદાન છોડવું પડ્યું. આ ત્રીજા સત્રમાં બન્યું, ત્યારબાદ કેએલ રાહુલને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. આ દરમિયાન, રાહુલે ફિલ્ડિંગ વગેરે સંબંધિત તમામ નિર્ણયો લીધા. રાહુલે ગિલની ગેરહાજરીમાં કેપ્ટનશીપ કરી કારણ કે વાઇસ કેપ્ટન ઋષભ પંતે પણ ઈજાને કારણે મેદાન છોડી દીધું હતું.

ઋષભ પંતને 34મી ઓવરમાં જસપ્રીત બુમરાહના બોલ પર ડાઇવ કરતી વખતે તેની આંગળીમાં ઈજા થઈ હતી, તે પછી તે મેદાન પર આવ્યો ન હતો અને તેની જગ્યાએ ધ્રુવ જુરેલે વિકેટકીપિંગ કર્યું હતું. જો પંત મેદાન પર હોત તો ગિલના બહાર ગયા પછી તેને કેપ્ટનશીપ સોંપવામાં આવી હોત પરંતુ તે મેદાન પર નહોતો, તેથી તે દરમિયાન કેએલ રાહુલે કેપ્ટનશીપ કરી હતી.

ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે શું થયું

ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. નીતિશ કુમાર રેડ્ડીએ ભારતને સારી શરૂઆત અપાવી હતી. ઇનિંગની 14મી અને પહેલી ઓવરમાં બંને ઓપનર ઝેક ક્રોલી (18) અને બેન ડકેટ (23) ને આઉટ કર્યા. આ પછી ઓલી પોપ અને જો રૂટે ઇનિંગ્સની જવાબદારી સંભાળી અને સદીની ભાગીદારી (109) કરી હતી. 44 રન કર્યા બાદ પોપને રવિન્દ્ર જાડેજાએ આઉટ કર્યો હતો.

હેરી બ્રુક (11) ને જસપ્રીત બુમરાહએ સસ્તામાં આઉટ કર્યો હતો. આ પછી દિવસની રમતના અંત સુધી બેન સ્ટોક્સ અને જો રૂટ વચ્ચે પાંચમી વિકેટ માટે 79 રનની ભાગીદારી થઈ હતી. રૂટ તેની સદીથી 1 રન દૂર છે, સ્ટોક્સ 39 રન પર અણનમ છે. ઇંગ્લેન્ડે 4 વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા છે.