Kohli Rohit record: ભારતીય ક્રિકેટના બે આધુનિક દિગ્ગજો, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ફરી એકવાર રેકોર્ડ બુકમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવ્યું છે. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વન-ડે મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ આ જોડીએ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. રોહિત અને વિરાટે મહાન બેટ્સમેન સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડનો સૌથી વધુ મેચો સાથે રમવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે આ બંને ભારત તરફથી એકસાથે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચો રમનારી જોડી બની ગયા છે.
392 મેચો સાથે રોહિત-વિરાટ નંબર 1
ક્રિકેટના મેદાન પર વર્ષોથી પોતાના પ્રદર્શનનો ડંકો વગાડનાર રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડી હવે આંકડાની દ્રષ્ટિએ પણ ટોચ પર પહોંચી ગઈ છે. દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ 391 આંતરરાષ્ટ્રીય મેચોમાં સાથે રમીને ટોચના સ્થાને હતા. જોકે, હવે રોહિત અને વિરાટે તેમની 392મી મેચ સાથે રમીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ આંકડો દર્શાવે છે કે છેલ્લા દોઢ દાયકાથી આ બંને ખેલાડીઓ ભારતીય ટીમનો કેટલો મહત્વનો હિસ્સો રહ્યા છે.
સૌથી વધુ મેચ રમનાર ભારતીય જોડીઓની યાદી
ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં જે જોડીઓએ સૌથી વધુ વખત એકસાથે ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે, તેમાં હવે મોટો ફેરફાર થયો છે. આંકડા નીચે મુજબ છે:
વિરાટ કોહલી અને રોહિત શર્મા: 392 મેચ
સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ: 391 મેચ
રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી: 369 મેચ
સચિન તેંડુલકર અને અનિલ કુંબલે: 367 મેચ
સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી: 341 મેચ
રેકોર્ડ બ્રેક મેચમાં બંનેની શાનદાર ફિફ્ટી
માત્ર મેદાન પર ઉતરીને રેકોર્ડ બનાવવો જ નહીં, પરંતુ બેટથી પણ આ જોડીએ કમાલ કરી બતાવી હતી. દક્ષિણ આફ્રિકા સામેની આ ઐતિહાસિક મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેએ શાનદાર અડધી સદી (Half-Centuries) ફટકારી હતી. આ પ્રદર્શન દ્વારા તેમણે સાબિત કર્યું કે વન-ડે ફોર્મેટમાં તેમનું મહત્વ આજે પણ અકબંધ છે અને તેઓ ટીમ માટે રન મશીન બનીને ઉભા છે.