Lalit Modi Prediction IPL Brand Valuation: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના સ્થાપક લલિત મોદીએ એક આશ્ચર્યજનક ભવિષ્યવાણી કરી છે. IPL 2026 શરૂ થતા પહેલા રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝી 1.63 બિલિયન અમેરિકન ડોલરમાં વેચાઈ હતી, જ્યારે RCB તો તેનાથી પણ વધુ 1.78 બિલિયન અમેરિકન ડોલરમાં વેચાઈ હતી. આ આંકડા પુરાવો છે કે IPL ખરેખર વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ લીગમાંની એક બની ગઈ છે. હવે લલિત મોદીનું કહેવું છે કે વર્ષ 2030 સુધીમાં એક ખેલાડી 150 કરોડ રૂપિયા સુધી કમાવા લાગશે.
100 મિલિયન ડોલરનું ટીમ પર્સ
IPL માં હાલમાં ટીમોનું પર્સ (ખર્ચ કરવાની મર્યાદા) 125 કરોડ રૂપિયા છે. આનો અર્થ એ છે કે કોઈપણ એક ટીમ મહત્તમ 25 ખેલાડીઓનો સ્ક્વોડ તૈયાર કરવા માટે 125 કરોડ રૂપિયા (આશરે 15 મિલિયન ડોલર) ખર્ચ કરી શકે છે. લલિત મોદી માને છે કે આગામી પાંચ વર્ષમાં ટીમોનું પર્સ 100 મિલિયન ડોલર સુધી પહોંચી જશે. આ રકમ 930 કરોડ રૂપિયાથી પણ વધુ છે. જો મોદીની ભવિષ્યવાણી સાચી સાબિત થાય તો ટીમ પર્સમાં 7 ગણાથી વધુનો વધારો થયો હશે.
એક ખેલાડીની કમાણી 150 કરોડ
અત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંત છે, જેમને IPL 2025 ના મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બીજા નંબરે પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર છે, જેમને 26.75 કરોડ રૂપિયા મળી રહ્યા છે. માઈકલ વૉન સાથેના 'ધ ઓવરલેપ' પોડકાસ્ટ પર લલિત મોદી કહે છે કે માત્ર 5 વર્ષના સમયમાં ખેલાડીઓ પર લાગતી બોલી 5 ગણાથી પણ વધુ વધી ગઈ હશે. તેમનું કહેવું છે કે 2030 સુધીમાં એક ખેલાડી IPL કોન્ટ્રાક્ટથી 130-150 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી શકશે. તેમણે આ રકમ દરેક ટીમમાં ટોચના 3-4 ખેલાડીઓ માટે જણાવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રાન્ડ વેલ્યુના મામલામાં IPL વિશ્વની બીજી સૌથી મોટી લીગ બની ગઈ છે. અમેરિકામાં રમાતી NFL (નેશનલ ફૂટબોલ લીગ) જ તેનાથી આગળ છે. IPL એ NBA અને MLB જેવી પ્રખ્યાત લીગોને પણ પાછળ છોડી દીધી છે. નોંધનિય છે કે, આઈપીએલ આવવાના કારણે ઘણા ખેલાડીઓનું નશીબ બદલાઈ ગયું છે. નાના શહેરમાંથી આવતા ઘણા ખેલાડીઓ આજે વિશ્વ લેવલે ચમકી ગયા છે અને મોટી કમાણી પણ કરી છે.
