Liam Dawson Retirement: ઇંગ્લિશ ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત સામે પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કરનાર અને 10,000થી વધુ રન બનાવનાર ઇંગ્લેન્ડના અનુભવી ઓલરાઉન્ડર લિયામ ડોસને રેડ-બોલ (ફર્સ્ટ-ક્લાસ) ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. 36 વર્ષીય ડોસને પોતાની મર્યાદિત ઓવરની (વ્હાઇટ-બોલ) કારકિર્દીને લંબાવવાના હેતુથી આ મોટો નિર્ણય લીધો છે. હવેથી તે માત્ર વ્હાઇટ-બોલ ક્રિકેટ રમતા જ જોવા મળશે.

13 મેના રોજ એક સત્તાવાર નિવેદન જારી કરીને ડોસને તાત્કાલિક અસરથી રેડ-બોલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ નિર્ણય સાથે જ ઇંગ્લિશ ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમના લગભગ બે દાયકા લાંબા શાનદાર પ્રકરણનો અંત આવ્યો છે. ડોસને કહ્યું કે, "ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય મારા માટે સહેલો નહોતો, પરંતુ મને લાગે છે કે વ્હાઇટ-બોલ ક્રિકેટમાં મારી કારકિર્દીને વધુ સમય આપવા માટે આ જ એકદમ યોગ્ય સમય છે."

હેમ્પશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ સાથે તેમનો ઘણો લાંબો અને ઊંડો નાતો રહ્યો છે. તેમણે હેમ્પશાયર માટે 211 ફર્સ્ટ-ક્લાસ મેચ રમીને 10,000થી વધુ રન બનાવ્યા અને 380 વિકેટ પણ ઝડપી, જેમાં 18 શાનદાર સદીઓનો સમાવેશ થાય છે. પોતાની આ સફરને યાદ કરતા તેમણે કહ્યું કે, "હેમ્પશાયર માટે 200થી વધુ મેચ રમવાનો મને ખૂબ જ ગર્વ છે. મેં અહીં વર્ષો સુધી ખેલાડીઓ સાથે અદ્ભુત યાદો બનાવી છે." ઉલ્લેખનીય છે કે, 2014માં હેમ્પશાયરને ડિવિઝન ટુમાંથી પ્રમોશન અપાવવામાં તેમની ખૂબ મોટી ભૂમિકા હતી અને ત્યારથી ટીમ સળંગ 11 વર્ષ સુધી ડિવિઝન વનમાં ટકી રહી છે.

આંતરરાષ્ટ્રીય કારકિર્દીની વાત કરીએ તો, ડોસને ઇંગ્લેન્ડ માટે 4 ટેસ્ટ મેચ રમી હતી. સૌથી યાદગાર વાત એ છે કે તેમણે ભારત પ્રવાસ દરમિયાન પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને તેમાં શાનદાર અણનમ 66 રન ફટકાર્યા હતા. જોકે, ત્યારબાદ તેઓ લાંબા સમય સુધી ટેસ્ટ ટીમથી દૂર રહ્યા હતા, પરંતુ ગયા વર્ષે આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ તેમણે ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં વાપસી કરી હતી.

IPL 2026: મુંબઈ-લખનૌ બહાર, હવે 4 સીટ માટે 8 ટીમો વચ્ચે જામશે જંગ, જાણો પ્લેઓફનું આખું ગણિત

વર્ષ 2024 ડોસનની કારકિર્દીનું સૌથી શાનદાર વર્ષ રહ્યું હતું. પ્રોફેશનલ ક્રિકેટર્સ એસોસિએશન એવોર્ડ્સમાં તેમને 'મેન્સ પ્લેયર ઓફ ધ યર' તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેમણે ઓવરઓલ ડોમેસ્ટિક MVP અને કાઉન્ટી ચેમ્પિયનશિપ પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ પણ જીત્યો હતો. જોકે, 2026ની સીઝનની શરૂઆતમાં હેમ્પશાયર માટે 4 કાઉન્ટી મેચોમાં તેમને કોઈ ખાસ સફળતા ન મળી, જેના પરિણામે તેમણે રેડ-બોલ ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો.

આગળના આયોજન વિશે વાત કરીએ તો, ડોસન હવે હેમ્પશાયર માટે બ્લાસ્ટ અને વન-ડે કપમાં રમવાનું ચાલુ રાખશે. આ ઉપરાંત, તે 'ધ હન્ડ્રેડ' ટુર્નામેન્ટમાં માન્ચેસ્ટર ઓરિજિનલ્સ તરફથી પણ રમતા જોવા મળશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં તેઓ ઇંગ્લેન્ડની વ્હાઇટ-બોલ ટીમમાં પણ રમવાનું ચાલુ રાખી શકે છે.

હાર્દિક પંડ્યા IPL 2027માં મુંબઈનો કેપ્ટન કેમ નહીં હોય? સામે આવ્યા આ 3 મોટા કારણો