વેસ્ટ ઈન્ડિઝની ટીમે આયરલેન્ડના પ્રવાસ પર ત્રણ મેચની ટી20 શ્રેણીની ત્રીજી મેચ 62 રનથી જીતી હતી અને શ્રેણી 1-0 થી જીતી હતી. આ શ્રેણીની પ્રથમ બે મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. બીજી તરફ, ફાસ્ટ બોલર લિયામ મેકાર્થીને આયરલેન્ડ ટીમ તરફથી ત્રીજી મેચમાં ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી, જે તેના માટે એક દુઃસ્વપ્ન સાબિત થઇ હતી. લિયામે તેના ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ મેચમાં જેમ્સ એન્ડરસનનો 18 વર્ષ જૂનો શરમજનક રેકોર્ડ તોડીને તેને પોતાના નામે કર્યો હતો.
મેકાર્થીએ ડેબ્યૂ મેચમાં 81 રન આપ્યા
લિયામ મેકાર્થી હવે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ મેચમાં સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ ધરાવે છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટી20 મેચમાં લિયામે તેની ચાર ઓવરમાં કુલ 81 રન આપ્યા હતા. લિયામે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ મેચમાં સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ બાબતમાં લિયામે જેમ્સ એન્ડરસનનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેણે 2007માં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરતી વખતે પોતાની ચાર ઓવરમાં કુલ 64 રન આપ્યા હતા. હવે લિયામ આ યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે.
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બીજો સૌથી મોંઘો સ્પેલ
આયરલેન્ડ ટીમનો ઝડપી બોલર લિયામ મેકાર્થી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મેચમાં સૌથી વધુ રન આપનાર બીજો બોલર બન્યો છે. આ યાદીમાં ટોચ પર ઝામ્બિયાનો મોસેસ જોબાર્તે છે, જેણે 2024માં ઝિમ્બાબ્વે સામેની મેચમાં 4 ઓવરમાં 93 રન આપ્યા હતા. મેકાર્થી હવે 81 રન આપીને આ યાદીમાં બીજા સ્થાને છે.
વેસ્ટ ઈન્ડિઝની જીતમાં એવિન લુઈસે મહત્વની ભૂમિકા ભજવી
ત્રીજી ટી20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા હતા જેમાં એવિન લુઈસે 91 રન, શાઈ હોપે 51 અને કેસી કાર્ટીએ 49 રન બનાવ્યા હતા. જવાબમાં યજમાન આયરલેન્ડની ટીમ 20 ઓવરમાં 194 રનનો સ્કોર કરવામાં સફળ રહી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી બોલિંગમાં અકીલ હુસૈને ત્રણ વિકેટ જ્યારે જેસન હોલ્ડરે બે વિકેટ લીધી હતી.