T20Is Record:  જ્યાં એક તરફ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેટ્સમેનો તાબડતોડ રન બનાવે છે તો કેટલાક ખેલાડીઓ એવા છે જે વારંવાર 'ડક' એટલે કે શૂન્ય પર આઉટ થઈને સમાચારમાં રહ્યા છે. 'ડક' એટલે કે કોઈ પણ રન બનાવ્યા વિના આઉટ થવું, અને તે કોઈપણ બેટ્સમેન માટે સૌથી શરમજનક ક્ષણ માનવામાં આવે છે. આ સમાચારમાં, અમે એવા ખેલાડીઓ વિશે વાત કરી રહ્યા છીએ જેમણે T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાનો અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો છે.

ટોપ 3 માં રવાન્ડાના ત્રણ ખેલાડીઓ

આ યાદીમાં ટોચ પર રવાન્ડાના કેવિન ઇરાકોઝ છે, જેમણે 75 મેચની 56 ઇનિંગ્સમાં બેટિંગ કરી અને 13 વખત ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યા. તેમની સરેરાશ ફક્ત 10.17 રહી છે.

બીજા નંબર પર તેમના સાથી જેપી બિમેનીયિમાના છે, જેમના નામે પણ 13 ડક છે. તેમણે 91 મેચમાં 327 રન બનાવ્યા છે.

માર્ટિન અકાયેઝુ ત્રીજા સ્થાને છે, જેમણે 95 T20 મેચોમાં 590 રન બનાવ્યા છે પરંતુ તે 13 વખત શૂન્ય પર આઉટ થયો છે.

બાંગ્લાદેશનો સૌમ્ય સરકાર પણ સામેલ છે

T20 માં આ યાદીમાં નાના દેશોના ખેલાડીઓ જ નહીં પરંતુ અનુભવી આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ સામેલ છે. બાંગ્લાદેશનો સૌમ્ય સરકાર 87 મેચોમાં 13 વખત શૂન્ય આઉટ થયો છે. તેણે અત્યાર સુધી તેની કારકિર્દીમાં 1462 રન બનાવ્યા છે પરંતુ સતત ખરાબ ફોર્મને કારણે તેનું નામ આ શરમજનક યાદીમાં સામેલ થયું છે.

શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન દાસુન શનાકાનું પણ આ યાદીમાં નામ છે. તેણે 105 મેચોમાં 1511 રન બનાવ્યા છે પરંતુ તે 13 વખત રન બનાવ્યા વિના આઉટ થયો છે. શનાકા આ યાદીમાં પાંચમા સ્થાને છે.

રોહિત શર્મા કયા નંબર પર છે?

તાજેતરમાં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ આ યાદીમાં સામેલ છે. જોકે, રોહિત શર્મા આ યાદીમાં 9મા સ્થાને છે. તેણે પોતાની કારકિર્દીમાં કુલ 159 ટી20 મેચ રમી છે અને 151 ઇનિંગ્સમાં બેટિંગ કરતી વખતે 4231 રન બનાવ્યા છે. તેના નામે 5 સદી અને 32 અડધી સદી છે, પરંતુ તેમ છતાં, તે 12 વખત શૂન્ય પર આઉટ થયો છે. નોંધનિય છે કે, રોહિત શર્માનું નામ ભારતના સૌથી વિસ્ફોટકો બેટ્સમેનોમાં થાય છે. તે પહેેલા બોલથી જ બોલને હિટ કરવાનો એપ્રોચ રાખે છે. જેના કારણે તે ઘણીવાર ઝીરો પર આઉટ થઈ જાય છે.